• રવિવાર, 19 મે, 2024

ચેન્નાઈની પ્લેઓફ ભણી આગેકૂચ : પંજાબ સામે જીત

ધર્મશાલા તા.5 : રવીન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ દેખાવથી પંજાબ કિંગ્સ સામે ચેન્નાઇ સુપર કિંગ્સે 28 રને શાનદાર જીત મેળવીને પ્લેઓફ ભણી આગેકૂચ કરી છે. ઉપરાંત પાછલી મેચમાં ચેપોકના હોમ ગ્રાઉન્ડ પર પંજાબના હાથે મળેલ આંચકારૂપ હારનો હિસાબ સીએસકે દ્રારા ચૂકતે કરાયો છે. પ્લેયર ઓફ મેચ હરફનમૌલા રવીન્દ્ર જાડેજાએ આક્રમક 43 રન કર્યાં હતા અને બાદમાં 4 ઓવરમાં ફકત 20 રન આપી 3 વિકેટ લીધી હતી. ધર્મશાલાની ધીમી પિચ પર ચેન્નાઇના 20 ઓવરમાં 9 વિકેટે 167 રન થયા હતા. જવાબમાં પંજાબ કિંગ્સ ટીમના 20 ઓવરમાં 9 વિકેટ 139 રન થયા હતા. જીતથી સીએસકે 11 મેચમાં 6 જીત સાથે 12 પોઇન્ટના ટોટલ સાથે ત્રીજા ક્રમ પર આવી ગઇ છે. મેચમાં એમએસ ધોની ગોલ્ડન ડક આઉટ થયો હતો અને  શિવમ દૂબે ટી-20 વર્લ્ડ કપ ટીમમાં પસંદ થયા પછી સતત બીજી ઇનિંગમાં પહેલા દડે આઉટ થયો હતો. ચેન્નાઇનો સુકાની ઋતુરાજ ગાયકવાડ સીઝનમાં 11 મેચમાંથી 10મી વાર ટોસ હાર્યો હતો. પંજાબે ફિલ્ડીંગ પસંદ કરી હતી. ચેન્નાઇની શરૂઆત સારી રહી હતી. રહાણે (9) સસ્તામાં આઉટ થયો હતો.  પછી કપ્તાન ઋતુરાજ ગાયકવાડે 32 અને ડેરિલ મિચેલ 30 રનની આક્રમક ઇનિંગ રમી હતી. શિવમ દૂબે પહેલા દડે આઉટ થયો હતો. ખરતી વિકેટ વચ્ચે રવીન્દ્ર જાડેજાએ 26 દડામાં ત્રણ ચોકકા અને બે છકકાથી 43 રન કર્યાં હતા. શાર્દુલ ઠાકુરે ઝડપી 17 રનનું યોગદાન આપ્યું હતું. ધોનીને પહેલા દડે હર્ષલ પટેલે બોલ્ડ કર્યો હતો. સીએસકેના 20 ઓવરમાં 9 વિકેટે 167 રન થયા હતા. પંજાબ તરફથી રાહુલ ચહર અને હર્ષલ પટેલે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. 168 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબની ટીમના ટોચના બેટધરો નિષ્ફળ રહ્યા હતા. ઓપનર પ્રભસિમરને સૌથી વધુ 30 રન કર્યાં હતા. ઇન ફોર્મ બેટર શશાંકસિંહ 27 રને આઉટ થયો હતો. બેયરસ્ટો 7, રોસોવ ઝીરો, કપ્તાન સેમ કરન 7, જિતેશ શર્મા 0, આશુતોષ શર્મા ત્રણ રન કરીને પાછા ફર્યાં હતા. પંજાબના 20 ઓવરના અંતે 9 વિકેટે 139 રન થયા હતા. આથી ચેન્નાઇનો 28 રને સરળ વિજય થયો હતો. જાડેજાની ત્રણ વિકેટ ઉપરાંત તુષાર દેશપાંડે અને સિમરનજીત સિંઘને 2-2 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang