• શનિવાર, 18 મે, 2024

ગુજરાતને હરાવીને આરસીબીએ આશા જીવંત રાખી

બેંગલોર, તા. 4 : આઈપીએલની 52મી મેચમાં ગુજરાતને હરાવીને આરસીબીએ પ્લેઓફની આશા જીવંત રાખી છે. ગુજરાતની બેટિંગ હરોળ બેંગ્લોર સામે ટકી શકી નહોતી અને પરિણામે ગુજરાતની ટીમ 19.3 ઓવરમાં 147 રને ઓલઆઉટ થઈ હતી અને બેંગ્લોરને જીત માટે 148 રનનો પડકાર મળ્યો હતો. બેંગ્લોર તરફથી શરૂઆતમાં કોહલી અને ડુપ્લેસીએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. જો કે, બાદમાં જોશુઆ લિટલ ત્રાટક્યો હતો અને ચાર વિકેટ લીધી હતી. જ્યારે નૂર અહેમદે બે વિકેટ લીધી હતી. જેના પરિણામે બેંગ્લોરે 116 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, દિનેશ કાર્તિક અને સ્વપ્નિલ સિંહે બાઝી સંભાળી બેંગ્લોરને ચાર વિકેટે જીત અપાવી હતી. આ જીત સાથે બેંગ્લોર પોઈન્ટ ટેબલ પર 8 અંક સાથે 7મા સ્થાને આવી ગયું છે. જીત માટે 148 રનનો પીછો કરવા ઊતરેલી બેંગ્લોરની ટીમ તરફથી ઓપનર કોહલી અને ડુપ્લેસીએ તાબડતોડ ઈનિંગ્સ શરૂ કરી હતી અને જોતજોતમાં ટીમનો સ્કોર 5.4 ઓવરમાં 92 રન થયો હતો. જો કે, પછી વિકેટોનું પતન શરૂ થયું હતું અને 117 રન સુધીમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. ડુપ્લેસીએ 23 દડામાં 64 અને કોહલીએ 27 દડામાં 42 રન કર્યા હતા. બાદમાં દિનેશ કાર્તિક અને સ્વપ્નિલ સિંહે ટીમને દબાણમાંથી બહાર કાઢી અને સ્વપ્નિલે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. બેંગ્લોરે ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. આ નિર્ણય શરૂઆતમાં સફળ સાબિત થયો હતો અને માત્ર 19 રનમાં ગુજરાતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. રિદ્ધિમાન સહા એક રને, શુભમન ગિલ બે રને અને સાઈ સુદર્શન છ રને પેવેલિયન પરત ફરી ગયા હતા. બાદમાં શાહરુખ ખાન અને ડેવિડ મિલરે બાજી સંભાળી હતી અને બન્ને વચ્ચે અર્ધસદીની ભાગીદારી થઈ હતી. 12મી ઓવરમાં કરણ શર્માએ મિલરની વિકેટ લીધી હતી અને ગુજરાત માટેની મહત્ત્વની ભાગીદારી તોડી હતી. મિલરે 20 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 30 રન કર્યા હતા. બાદમાં રાહુલ તેવટિયાએ એક છેડો સંભાળ્યો હતો. જ્યારે શાહરુખ ખાનને 37 રને કોહલીએ રનઆઉટ કર્યો હતો. તેણે 24 બોલમાં 37 રનની મહત્ત્વની ઈનિંગ્સ રમી હતી. જ્યારે તેવટિયાએ 21 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રન કર્યા હતા. અંતિમ ઓવરમાં રાશિદ ખાને 18 અને વિજય શંકરે 10 રન કર્યા હતા. ગુજરાતની ટીમ 19.3 ઓવરમાં 147 રને ઓલઆઉટ થઈ હતી. બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજ, યશ દયાલ અને વિજયકુમારે બે-બે વિકેટ લીધી હતી, જ્યારે કેમરુન ગ્રીન અને કરણ શર્માને એક-એક વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang