• રવિવાર, 19 મે, 2024

મજબૂત લોકતંત્રના પાયામાં એક-એક મત નિર્ણાયક

ગાંધીધામ, તા. 5 : મજબૂત લોકતંત્ર અને લોક્શાહીના પર્વ સમાન ચૂંટણીમાં પ્રત્યેક મતનું મૂલ્ય હોય છે. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરતા યુવાનો દેશના લોકતંત્રને જાણે, સમજે અને જવાબદારીપૂર્વક તેના મૂલ્યવાન મતનો ઉપયોગ કરે, તે માટે ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે મારા એક મતની શક્તિ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. મહિલા પાંખ દ્વારા દિશા ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશ પુજએ જણાવ્યું હતું કે, લોક્શાહીનો અવસર આવી રહ્યો છે અને સૌએ તે સાથે મળીને ઊજવવાનો છે. લોકતંત્રમાં મતદારથી મોટું કોઇ નથી અને મજબૂત લોકતંત્રના પાયામાં એક-એક મત મહત્ત્વનો છે, ત્યારે પ્રત્યેક મતદાર તેના મતનો ઉપયોગ કરવા અને સ્પર્ધામાં સંકુલના યુવાનોના ઉત્સાહની પ્રશંસા કરી વધુમાં વધુ મતદાન થકી મહત્ત્વપૂર્ણ કર્તવ્ય બજાવવા અપીલ કરી હતી. ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, સ્પર્ધા માટે ચેમ્બરનો હેતુ યુવાનોમાં લોકજાગૃતિ અને સામાજિક જવાબદારીની ભાવનાઓને પ્રોત્સાહન આપવાનો છે. વધુમાં મતદાનનું મહત્ત્વ, સક્રિય નાગરિક બનવા અને સમાજને મજબૂતાઈ આપવા માટે વ્યક્તિગત રીતે સુદૃઢ ભવિષ્ય ધરાવતી ક્ષમતા સાથે સકારાત્મક વિચાર અને પ્રોત્સાહિત કરવાનો એક ઉત્તમ માર્ગ બની રહેશે, તેમ જણાવી લોકશાહીને મજબૂત કરવા અને વિશ્વભરમાં દેશની આંતરિક સુરક્ષાને મજબૂત કરવા શ્રેષ્ઠ મતદાનને ગણાવી અન્ય તહેવારોની ઉજવણીની જેમ ઉત્સાહપૂર્વક મહાપર્વમાં જોડાવવા અને યુવાઓને આગળ આવવા આહ્વાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ માટે ગાંધીધામ ચેમ્બરની મહિલા વિંગના કન્વીનર રાખી નાહટા, સહ કન્વીનર્સ મમતા આહુજા અને સુરભી આહીરની રાહબરી હેઠળ દિશા ફાઉન્ડેશનના સંસ્થાપક કવિતા કેસરિયા અને દીપા મોટવાણીનો સહયોગ સાંપડ્યો હતો. તેઓ તરફથી એક સંયુક્ત નિવેદનમાં યુવાનો સ્પર્ધામાં ભાગ લઇ તેમના વિચારો અને મંતવ્યો વ્યક્ત કરી, એક સજાગ અને સશક્ત સમાજ બનાવવામાં અગ્રેસર થાય, તેવા આશાવાદ સાથે વધુ ને વધુ સંખ્યામાં લોકો લોકશાહીના પર્વની ઉજવણીમાં જોડાય, તે માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. પ્રથમ વાર મતદાન કરવા માટે ગાંધીધામ, આદિપુર સંકુલના 26 જેટલા પ્રતિસ્પર્ધીએ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં તેમના વિચારો રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સ્પર્ધામાં અનુક્રમે કુ. દૃષ્ટિ ઠક્કર પ્રથમ, હરિ રામાનંદી દ્વિતીય અને કુ. ખુશાલી જાડેજા તૃતીય ક્રમે વિજેતા જાહેર થયા હતા. જેમને ચેમ્બર દ્વારા ઇનામો આપી સાથે ભાગ લેનાર તમામને ચેમ્બરની મહિલા પાંખ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે એસ.આર.કે. ઈન્સ્ટિટ્યૂટના આચાર્ય નિર્દેશ બુચ અને માઉન્ટ કાર્મેલ સ્કૂલના નિવૃત્ત શિક્ષિકા નિરૂપમા આશરે સહયોગ આપ્યો હતો. પ્રસંગે ચેમ્બરના ઉપપ્રમુખ દીપક પારેખ, પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ, કારોબારી સમિતિના સભ્યો જગદીશ નાહટા, અનિમેષ મોદી, શરદ શેટ્ટી તથા સંકુલની શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang