• રવિવાર, 19 મે, 2024

મથડામાં દેશી ડુંગળીનો પાક તૈયાર : નિકાસ માટે છૂટ થતાં ભાવ વધવાની ભીતિ

ફકીરમામદ ચાકી દ્વારા : કોટડા (ચકાર), તા. 5 : કચ્છની કેશર કેરી દેશ-વિદેશ સુધી પહોંચી છે ત્યારે અંજાર તાલુકાનું મથડા ગામ ડુંગળીના પાક થકી જાણીતુ બન્યું છે. ગામના ખેડૂતો જાતે બિયારણ તૈયાર કરી વર્ષોથી અસલ દેશી ડુંગળીનું વાવેતર કરે છે, ઘાસચારો, ફળફળાદીનું પણ પંથકમાં વાવેતર થઇ રહ્યું છે. કચ્છના અમુક વિસ્તારોમાં પાંચ મહિને તૈયાર થતો ડુંગળીનો પાક વખણાય છે. અંજાર તાલુકા મથડા ગામના ખેડૂતો વર્ષોથી અસલ દેશી ડુંગળીનું વાવેતર કરે છે. પોતે તૈયાર કરેલા બિયારણનું ડિસેમ્બરમાં વાવેતર કરે અને એપ્રિલ-મે મહિનામાં પાક તૈયાર થઇ જાય. સારી મહેનત અને માવજત હોય તો એકર દીઠ અઢીથી ત્રણસો મણની પણ પેદાશ થાય, પણ સરેરાશ એકર દીઠ બસો મણનો પાક તો ઊતરે છે. દેશી છાણીયું ખાતર અને દર ત્રીજા-ચોથા દિવસે પાકને પાણી તો આપવું પડે, મથડાના ખેડૂતોની મુખ્ય ખેતપેદાશ ડુંગળી અને પશુઓ માટેના મકાઇ, જુવાર, રંજકા જેવા ઘાસચારા સાથે કેળા, દાડમ જેવા ફળફળાદી પણ ખરા, શાકભાજીની પણ ખેતી  થાય છે. હાલે મથડાની ડુંગળીનો પાક તૈયાર થાય છે. અહીંની ડુંગળી 40 કિલોના રૂા. 700થી 800માં વેપારીઓ જથ્થાબંધ ભાવે ખરીદવા ગામના ખેડૂતો પાસે આંટાફેરા કરીને ખરીદી કરે છે. જેમ તલાલા ગીર પંથકની કેશર કેરી કરતાં કચ્છની કેશર કેરી સ્વાદિષ્ટ અને ઉચ્ચ ગુણવત્તાવાળી હોય છે તેમ મથડાની ડુંગળી જે દેશી છાણ, ખાતર આપીને ખેડૂતો પાક તૈયાર કરે છે, તે સ્વાદિષ્ટ, ટકાઉ અને આંખે પાણી નથી લાવી દેતી. ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી કયારેક ગરીબ લોકોની આંખમાં પાણી લાવી દે છે. આમ તો બારે માસ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોની રાતી-ધોળી ડુંગળી બજારમાં મળે છે, પણ કચ્છ-ભુજ, અંજાર, નખત્રાણા સહિતના ખેડૂતો દેશી પદ્ધતિથી ડુંગળીનું વાવેતર કરે છે, તેવું મથડાના અલીમામદ હાજી ધુલાભાઇ અબ્દુલભાઇ આગરિયા, કાસમ બુઢા તેમજ હુશેન હાજી ધુલાભાઇ વિગેરે ખેડૂતો કહે છે. હાલમાં ભારત સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ચાર મહિના સુધી ઉઠાવી લીધો છે અને નિકાસની છૂટ આપી છે. ડુંગળીની નિકાસ થશે તો તેના ભાવ અંકુશમાં રહેવા મુશ્કેલ બનશે. આજે લસણના જે ભાવ છે તે લોકો સાંભળીને પણ હચમચી જાય છે. ગરીબ હોય કે અમીર ડુંગળી વિવિધ ખાદ્ય રસોઇ માટે તમામ લોકોને જરૂરી હોય છે. મહારાષ્ટ્રની ડુંગળીની તો નિકાસ થઇ રહી છે. મથડામાં ખેડૂતો ડુંગળીનું વાવેતર કરે છે અને તેનું વેચાણ કરવા ભાગ્યે અંજાર-ભુજના માર્કેટયાર્ડોમાં જવું પડે છે. ખરીદનારાઓ ગામમાં ખેડૂતો પાસે જાતે આવી ખરીદી જાય છે, અહીંની ડુંગળી લોકોમાં ભારે લોકપ્રિય હોવાનું જાણવા મળ્યું છે. અંજાર, ગાંધીધામ, કંડલા તેમજ ડુંગળી શોખીનો ગામની ડુંગળી ગમે તે રીતે ઘરવપરાશ માટે મગાવે છે, તેવું મોટે ભાગે ચલણ થઇ ગયું છે. મથડાની ડુંગળીની માંડવીવાસીઓ અરબ દેશોમાં પણ સગા-સબંધીઓને મોકલતા હોવાનું જાણવા મળી રહ્યું છે. મથડાની ડુંગળી કચ્છમાં જાણીતી-માનીતી છે. આજે પણ માર્કેટયાર્ડોના અખબારોમાં આવતા ભાવો અને છૂટક ખરીદી કરતા ગ્રાહકોને ડબલ ભાવ આપવા પડે છે. સ્થાનિક ભાવો અંકુશમાં રહે તે માટે ગ્રાહક બાબતોના તંત્રે સજાગ રહેવું પડશે તો વાજબી ભાવે લોકો ખરીદી શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang