ઓકલેન્ડ, તા. 3 : ટી-20 શ્રેણીના રોમાંચક સમાપન બાદ હવે ક્રિકેટપ્રેમીઓનું
ધ્યાન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી પાંચ મેચોની વનડે શ્રેણી તરફ કેન્દ્રિત
થયું છે. શ્રેણીની પ્રથમ મેચ બુધવારે ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાશે. આ મેચમાં ક્રિકેટ
જગતની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર ટકેલી રહેશે. ટી-20 શ્રેણી જીત્યા બાદ ભારત વન-ડે સિરીઝ કબજે કરવાના
ઇરાદે ઉતરશે. બન્ને વરિષ્ઠ ખેલાડીઓ હાલ માત્ર વન ડે ફોર્મેટમાં સક્રિય હોવાથી જ્યારે
પણ ટીમ ઇન્ડિયા પચાસ ઓવરના મુકાબલામાં ઉતરે છે ત્યારે આ જોડી કેન્દ્રસ્થાને હોય છે.
કારકિર્દીના આ તબક્કે સંભવત: આ બન્નેનો આ છેલ્લો ન્યૂઝીલેન્ડ પ્રવાસ બની શકે છે. શરૂઆતી
મેચોમાં બંનેનું પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નિશ્ચિત મનાય છે; જ્યાં સુકાની શુભમન ગિલ સાથે
રોહિત શર્મા ઇનિંગ્સની શરૂઆત કરશે અને વિરાટ કોહલી ત્રીજા ક્રમે બાટિંગ સંભાળશે. ઈડન
પાર્કની નાની સીમારેખાઓ વચ્ચે સ્પિનર કુલદીપ યાદવ ભારતની પ્રથમ પસંદગી બની શકે છે.
તેની આક્રમક લેગ-સ્પિન કિવી બેટર્સને દબાણમાં લાવવા માટે મહત્વની સાબિત થઈ શકે છે.
બીજી તરફ, ઝડપી બાલિંગ મોરચે મોહમ્મદ સિરાજની ભૂમિકા નિર્ણાયક
રહેશે. સિરાજ બીજી અનઓફિશિયલ ટેસ્ટમાં ઇન્ડિયા-એ ટીમનો હિસ્સો હતો, તેથી તેને સીધા જ પ્રથમ વનડેની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે છે કે નહીં તે જોવું
રસપ્રદ રહેશે. આગામી ટેસ્ટ શ્રેણીના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને જસપ્રીત
બુમરાહને વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે, જ્યારે પ્રસિદ્ધ
ક્રિષ્ના અને હર્ષિત રાણા ઈજાના કારણે બહાર છે. આ સંજોગોમાં 51 વનડેનો અનુભવ ધરાવતા મોહમ્મદ સિરાજે પેસ એટેકનું
નેતૃત્વ કરવું પડશે. સિરાજ સિવાય ભારતીય સ્ક્વોડમાં સામેલ અન્ય ચાર ફાસ્ટ બોલર્સ અર્શદીપ
સિંહ (18 મેચ), ગુરનૂર બ્રાર (9 મેચ), અંશુલ કંબોજ (1 મેચ) અને આકિબ નબી (1 મેચ) પાસે સંયુક્ત રીતે માત્ર 29 વનડે રમવાનો અનુભવ છે.