• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

દૃષ્ટિક્ષતિ ખેલાડીઓની ફૂટબોલ સ્પર્ધામાં તામિલનાડુ વિજેતા

ભુજ, તા. 23 :  દેશભરના આંશિક દૃષ્ટિક્ષતિ ફૂટબોલ ખેલાડીઓના જુસ્સા અને કૈશલ્યથી સૂર્યા વરસાણી એકેડેમી ગાજી ઊઠી હતી. નવચેતન અંધજન મંડળ, માધાપર અને કચ્છમિત્ર દૈનિકના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રથમ ઓલ ઈન્ડિયા બ્લાઈન્ડ ફૂટબોલ એસોસીએશન નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં તામિલનાડુની ટીમ વિજેતા, જ્યારે અરુણાચલ પ્રદેશની ટીમ ઉપવિજેતા બની હતી, જ્યારે મેઘાલયની ટીમ ત્રીજા સ્થાને રહી હતી. આ સ્પર્ધાના દેખાવના આધારે ભારતની આંશિક દૃષ્ટિક્ષતિ રમતવીરોની ટીમ પસંદ થશે. આઠ રાજ્યની ટીમોને સાંકળતી આ ત્રણ દિવસીય સ્પર્ધાના સમાપન સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ઉપપ્રમુખ ડો. મુકેશ ચંદે, કચ્છમિત્રના તંત્રી દીપક માંકડ, જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષા પારુલબેન કારા, તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ વરસાણી, ઉપપ્રમુખ પ્રવીણાબેન રાઠોડ, એનએબી ગુજરાત શાખાના સેક્રેટરી તારક લુહાર, એસબીઆઈના મેનેજર કમલેશ દવે, ચીફ મેનેજર અભય પાઠક, એઆઈબીએફએના ખજાનચી ભારતી રાજા જી.આર., રામજી કાનજી હીરાણી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જાદવજીભાઈ વરસાણી ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓએ ખેલાડીઓના જુસ્સાને અને આયોજનને બિરદાવ્યા હતા. પ્રથમ વિજેતા તામિલનાડુને ગોલ્ડ મેડલ અને  રૂા. પ0000, અરુણાચલને રૂા. 30000 અને સિલ્વર મેડલ તથા મેઘાલયને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. આ ચેમ્પિયનશિપનું જીવંત પ્રસારણ પવિત્ર લાઈવ યુ-ટયુબ ચેનલ પર કરનાર મનજી પટેલનું નવચેતન અંધજન મંડળના મંત્રી હિમાંશુ સોમપુરા તથા ખજાનચી ઝીણાભાઈ ડબાસિયાએ સન્માન કર્યું હતું. ચેમ્પિયનશિપમાં સેવા આપનાર રેફરી ઈન્ટરનેશનલ બ્લાઈન્ડ ફૂટબોલ ટેકનિકલ ડેલિગેટ લૂ વાઈકયોંગ, મેડિકલ કલાસીફાયર મિસ્ટર બાલાજી, એમ કટપ્પા, સી અચ્ચુતકુમારનું અભિવાદન કરાયું હતું. સૂર્યા વરસાણીના સ્પોર્ટ્સ ડાયરેકટર મુકેશ કુમાર, નવચેતનના ઝરણા વ્યાસ, ક્રિષિવ ફાઉન્ડેશનના નયનાબેન ગોસ્વામી, ઈન્નરવ્હીલ કલબના ડિમ્પલબેન છાયા હાજર રહ્યા હતા. ફ્રેન્ડસ ઓફ કેરા યુ.કે.ના સહયોગથી તમામ ખેલાડીઓને ભેટ અપાઈ હતી, જે પ્રતીક રૂપે મહારાષ્ટ્રની ટીમને શ્યામભાઈ પાંચાણીએ અર્પણ કરી હતી. શ્રેષ્ઠ ખેલાડીઓને એઆઈબીએફએ તરફથી રૂા. 4000 તથા ટ્રોફી અપાયા હતા. કિરણ (ગોલકીપર), એલેસ્ટન (પ્લેયર ઓફ ટૂર્નામેન્ટ), સાગર (ટોપ સ્કોરર), સેમ ડેનિયલને ઉત્તમ દેખાવ કરવા બદલ ઈનામ અપાયાં હતાં. ચંદ્રશેખર, એલેસ્ટન, કિરણ, સાગર તથા રાકેશને કાય ખેતાણી વતી અભિષેક પટેલે રોકડ પુરસ્કાર આપ્યા હતા.  મેઘાલય ટીમને સામાજિક કાર્યકર રામજીભાઈ ગામીએ બ્રોન્ઝ જ્યારે એઆઈબીએફએના ભારતી રાજા જી.આરે ટ્રોફી અર્પણ કરી હતી. અરુણાચલ પ્રદેશને ડો. ચંદેએ સિલ્વર મેડલ, દીપા ફાઉન્ડેશનના શાંતારામે રૂા.30,000નો ચેક તથા જાદવજીભાઈ વરસાણીએ તામિલનાડુની ટીમને દીપકભાઈએ ગોલ્ડ મેડલ,  હિમાંશુભાઈ અને ખજાનચી  ઝીણાભાઈ ડબાસિયાએ ચેક તથા એઆઈબીએફએના પ્રમુખ ડોમિનિક નીડોએ ટ્રોફી અર્પણ કરી હતી. શાંતારામ, દીપકભાઈ, ડો. ચંદે તથા મુકેશકુમારે પ્રેરક પ્રવચન આપ્યાં હતાં. નવચેતન અંધજન મંડળ-માધાપરની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સંચાલન  હિમાંશુભાઈ તથા કો-ઓર્ડિનેટર રીમાબેન ભાટિયાએ સંભાળ્યું હતું.  આયોજનમાં સંસ્થાના પ્રમુખ વિનોદ કાનજી ગડા, ઉપપ્રમુખ હીરાલાલ આર. ચાવલા, જનરલ સેક્રેટરી લાલજીભાઈ પ્રજાપતિએ માર્ગદર્શન આપ્યું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang