• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

આધુનિક યુગમાં પણ પૂંઠાં-દટ્ટા હજુ અકબંધ

વિશ્વનાથ જોષી દ્વારા : ભુજ, તા. 23 : દેખાવમાં સાવ નાનું અને સામાન્ય લાગે પણ પંચાંગની ગરજ સારતું નાનકડું તારીખીયું (દટ્ટો) અને પૂંઠાંનું ચલણ હજુ ઘટયું નથી. દિવાળીના તહેવાર આવી રહ્યા છે, ત્યારે પૂંઠાં-દટ્ટા, કેલેન્ડરનું કામ કરતા ધંધાર્થીઓમાં ઉત્સાહ અવિરતપણે જોવા મળી રહ્યો છે અને વર્ષો જૂની પરંપરા હજુ જળવાઇ  રહી છે તેનો આનંદ પણ ચહેરે દેખાય છે. કચ્છમાં દટ્ટા અને પૂંઠાં માટે કાગદી પરિવારનું નામ આગળ છે. છેલ્લા 70 વર્ષથી દટ્ટાનું નિર્માણ કરતા દીપકભાઇ કાગદીના જણાવ્યાનુસાર પોતાના વડીલોએ માંડવી ખાતે દટ્ટા, પૂંઠાં બનાવવાનું ચાલુ કર્યું હતું. તે સમય ઓફસેટ મશિનો ન હતાં. ટ્રેડલ મશિન પર કામ કરતા ઘણો સમય લાગી જતો. હોળી પછી તાત્કાલિક દટ્ટા, પૂંઠાં બનાવવાનું કામ ચાલુ કરતા તે દિવાળીએ પૂરું થતું હતું. હવે 1996થી કોમ્પ્યુટર યુગ શરૂ થયો. ટ્રેડલના બદલે ઓફસેટ મશિનથી છપાઇ ચાલુ થઇ, હવે અષાઢ મહિનાથી કામ ચાલુ કરીએ જે આસો મહિનાની પૂનમ પહેલાં તૈયાર થઇ જાય. તે સમય મેન્યુઅલમાં 20થી 25 હજાર દટ્ટા-પૂંઠાં બનાવતા હવે સંખ્યા એક લાખ વીસ હજાર પર પહોંચી છે. જોકે, આ વર્ષે વરસાદના કારણે રંગીન કાગળનો માલ ઘણો મોડો આવ્યો જેથી કામ મોડું થયું અને 1,20,000ના બદલે લાખ જ દટ્ટા છપાયા છે. - કચ્છમાં ટેબલ દટ્ટો : કચ્છમાં ટેબલ દટ્ટાની શરૂઆત થઇ ચૂકી છે. આમ તો ઘણી કચેરીઓમાં  ટેબલ પર અંગ્રેજી તારીખ સાથેનું નાનું ટેબલ કેલેન્ડર હોય છે પણ હવે સમયને માન આપી દીપકભાઇ દ્વારા ટેબલ દટ્ટો પણ બનાવાય છે, જેને ટેબલ પર રાખી શકાય છે. ટેબલ દટ્ટાના પૃષ્ઠભાગમાં `રોડ ટુ હેવન'ની સુંદર તસવીર પણ નખાઇ છે. ડાયકટ પૂંઠાંનું ચલણ વધ્યું : અગાઉ પૂંઠાં, દટ્ટામાં સાદાં પૂંઠાં આવતાં હવે વેપારીઓને ડાયકટ પૂંઠાં વધુ ગમે છે. જોકે, ભાવમાં રૂપિયા બેથી ત્રણ વધારો આવી જાય છે પણ ડાયકટ પૂંઠાંના દરવર્ષે ઓર્ડર વધતા જાય છે. કચ્છ બહાર દટ્ટાનું ચલણ : મિની પંચાંગની ગરજ સારતા દટ્ટાઓનું ચલણ કચ્છ બહાર વસતા ગુજરાતીઓ પણ મગાવે છે. ખાસ જ્યાં કચ્છીઓ રહે છે તેવા જામનગર, રાજકોટ, મોરબી, જામખંભાળિયા, બેંગ્લોર, કર્ણાટક, ચેન્નાઇમાં પણ કચ્છી દટ્ટો પહોંચી ચૂક્યો છે. વિદેશમાં માંગ : વર્ષો જૂની પેઢી સંભાળતાં માંડવીના અશ્વિનભાઇ કાગદી 70 વર્ષના છે. તબિયત અસ્વસ્થ હોવા છતાં કચ્છમિત્ર સાથે વાત કરતાં કહ્યું હતું કે, 80થી 85 વર્ષ થયાં ડાયરી, દટ્ટાનું કામ કરીએ છીએ. એક હજારની સંખ્યાથી શરૂઆત કરી હતી. હવે હાલમાં અઢી લાખ દટ્ટા બનાવીએ છીએ અને મસ્કત, દુબઇ, આફ્રિકા, વિદેશમાં તથા આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક મનહરના દટ્ટા જાય છે. અમોએ કોપીરાઇટ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેથી મનહરનો કોઇ ઉપયોગ ન કરી શકે. બહાર વસતાં યુવક મંડળો દટ્ટા મગાવે છે અને પોતાના સમાજમાં ભેટ આપે છે. દટ્ટામાં આયુર્વેદિક ટીપ્સ, તહેવારો, મેળા, મલાખડા જેવી તમામ વિગતો આપીએ છીએ. નખત્રાણામાં પૂંઠાં બને છે : નખત્રાણામાં દટ્ટા તૈયાર મેળવી અને પૂંઠાંનું કામ સ્થાનિક પ્રિન્ટીંગ પ્રેસમાં થાય છે. વેપારી નીતિનભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, 32 વર્ષથી પૂંઠાંનું કામ કરીએ છીએ અને દશથી બાર હજાર પૂંઠાં બનાવી દટ્ટા અમદાવાદ, કચ્છમાંથી મેળવી વેપારીઓને આપીએ?છીએ. 500ની સંખ્યાથી શરૂઆત કર્યા પછી અત્યારે પાંચ આંકડામાં સંખ્યા પહોંચી છે. પૂંઠાંમાં કુદરતી દૃશ્યોની માંગ વધારે જોવા મળે છે. તમિલનાડુ, બેંગ્લોર સુધી પૂંઠાં, દટ્ટા મોકલાવીએ છીએ. સ્ટેશનરીના વેપારી હેમેન્દ્રભાઇ કંસારાએ કહ્યું હતું કે, 35 વર્ષથી પૂંઠાં બનાવવાનો ધંધો કરીએ છીએ. દિવાળીએ 10થી 12000 જેટલા પૂંઠાં બને છે જે રૂા. 15માં વેંચાય છે. અમદાવાદથી દટ્ટો મગાવીએ તો રૂા. 12થી શરૂઆત થાય છે. હાલમાં વારનેશ પૂંઠાંનું ચલણ વધ્યું છે. ઓર્ડર પ્રમાણે કામ કરી આપીએ છીએ. નલિયા વેપારી મંડળના પ્રમુખ હકુમતસિંહ જાડેજાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, હવે ખાસ રસકસના વેપારીઓ પૂંઠાં-દટ્ટા રાખે છે. બાકી કેલેન્ડરનું ચલણ વધી રહ્યું છે. હિસાબો બધા કોમ્પ્યુટરમાં થઇ જતાં દેશી ચોપડાનું મહત્ત્વ સાવ ઘટી ગયું છે. નખત્રાણાના વેપારીઓએ પણ કહ્યું હતું કે, અગાઉ 400થી 500 દેશી લાલ પૂંઠાવાળા ચોપડા વેંચાતા હવે સંખ્યા ઘટીને 100થી 125 થઇ ગઇ છે. અંજારમાં 15 વર્ષથી પૂંઠાં, દટ્ટાનું કામ કરતાં કનુભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, જૂનવાણી વડીલો પાનું ફાડીને તારીખ જુવે એમાં જ મજા આવે છે, તેથી દટ્ટા-પૂંઠાંની એટલી જ માંગ છે. ગોપી બ્રાન્ડના દટ્ટા દિવાળી અમો 40 હજાર જેટલા બનાવીએ છીએ. રૂા. 20થી 45ના ભાવે વેંચાય છે. મુંબઇ તથા છેક ઓસ્ટ્રેલિયા સુધી દટ્ટા જાય છે. ગતવર્ષે માર્કેટમાં નુકસાન થયું હતું. પણ આ વર્ષે બજાર સારું છે. દર ત્રણ વર્ષે આ ધંધામાં થોડી મંદી આવતી હોય છે પણ લોકોની ચાહના હજુ જળવાઇ રહી હોવાનું પ્રિન્ટીંગ પ્રેસના માલિક કનુભાઇ ઠક્કરે જણાવ્યું હતું. અન્ય વેપારીઓમાં રમેશભાઇ અનમ, જુસબભાઇ મેમણ કહે છે કે, અમારી પાસે દિવાળીમાં ગ્રાહકો પૂંઠાં, દટ્ટાનો જ આગ્રહ રાખે છે.  કેલેન્ડરનું ચલણ બહુ ઓછું છે. ભુજમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના મોટા કેલેન્ડરો 25000 જેટલા છપાતા હોવાનું જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang