• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

પૂણેમાં પલટવાર માટે ટીમ ઇન્ડિયા તૈયાર

પૂણે, તા. 23 : ન્યૂઝીલેન્ડના હાથે બેંગ્લુરુ ટેસ્ટમાં મળેલી કારમી હાર બાદ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ પૂણેમાં પલટવાર માટે તૈયાર છે. પહેલી ટેસ્ટમાં 46 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતીય બેટધરોએ બીજી ઇનિંગ્સમાં સારી બેટિંગ કરી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડે આઠ વિકેટે આસાનીથી મેચ જીતી લીધી હતી. બેંગ્લુરુ ટેસ્ટની ભૂલોમાંથી સબક લઇની ટીમ ઇન્ડિયા ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે મેદાનમાં ઊતરશે. બીજી તરફ કિવિઝ ટીમનું લક્ષ્ય ઇતિહાસ સર્જી ભારતીય ધરતી પર પણ ટેસ્ટ શ્રેણી જીતનું હશે. જો આવું થશે, તો ભારતીય ટીમની ઘરઆંગણે સતત 18 ટેસ્ટ શ્રેણી જીતનો ક્રમ પણ તૂટશે. ભારતીય ટીમ મેનજમેન્ટ સમક્ષ આખરી ઇલેવન પસંદ કરવાની દુવિધા છે. ખાસ કરીને શુભમન ગિલ ફિટ થવાથી તેની વાપસી નિશ્ચિત છે. આ સ્થિતિમાં સરફરાઝ ખાન અને કેએલ રાહુલમાંથી કોઇ એકને બહાર કરવો પડશે. કોચ ગંભીર અનુભવી રાહુલની તરફદારી કરી ચૂક્યા છે, જ્યારે પહેલી ટેસ્ટમાં આક્રમક દોઢી સદી ફટકારના સરફરાઝને પણ નજરઅંદાજ કરી શકાય નહીં, તેણે વિપરિત સ્થિતિમાં સદી ફટકારી પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો. જ્યારે રાહુલ શૂન્ય અને 12 રન કરી શક્યો હતો. ભારત માટે સારા સમાચાર એ છે કે, વિકેટકીપર રિષભ પંત ફિટ છે અને પહેલા દિવસથી વિકેટકીપિંગ કરવાની સ્થિતિમાં છે. પૂણેની પીચ કાળી માટીની છે. જે ટર્નિંગ અને ધીમી છે. આથી ભારત ફરી ત્રણ સ્પિનર સાથે ઊતરી શકે છે. અશ્વિન અને રવીન્દ્ર સાથે લગભગ ફરી કુલદીપ હશે. વોશિંગ્ટન સુંદર પણ ટીમમાં સામેલ થયો છે, જ્યારે અક્ષર પટેલ પહેલેથી ટીમનો હિસ્સો છે. કોમેન્ટટર સંજય માંજરેકર કહે છે કે, આ મેચમાં ભારત ચાર સ્પિનર સાથે ઊતરશે તો મને નવાઇ થશે નહીં.  ન્યૂઝીલેન્ડની બેટિંગ હરોળ સારા ફોર્મમાં છે, તેના ટોચના ચાર બેટધરમાં ત્રણ ડાબોડી છે, જેમાં રચિન રવીન્દ્ર પણ સામેલ છે. આ ઉપરાંત ડવેન કોન્વે અને કપ્તાન ટોમ લાથમ છે. પ્રવાસી ટીમ પાસે ત્રણ સ્પિનર એઝાઝ પટેલ, ગ્લેન ફિલિપ અને રચિન રવીન્દ્ર છે. જો કે, આ ત્રણેય ભારતીય સ્પિનરની તોલે આવી શકે નહીં. કિવિઝ ટીમને બીજા ટેસ્ટમાં પણ તેના સ્ટાર બેટર કેન વિલિયમ્સનની ખોટ પડશે. તે હજુ અનફિટ છે. જો કિવિઝ ઇલેવનમાં સેંટનર સામેલ થશે, તો ઝડપી બોલર ટિમ સાઉધી બહાર થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang