• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

મોટી ચીરઇ પાસેની કંપનીમાંથી 2.04 લાખના સામાનની તસ્કરી

ગાંધીધામ, તા. 23 : ભચાઉ તાલુકાના મોટી ચીરઇ નજીક આવેલ કંપનીના ગોદામના તાળાં તોડી નિશાચરોએ એ.સી. ફિટિંગ કરવાના રૂા. 2,04,500ના સામાનની ચોરી કરી હતી. મોટી ચીરઇ ઓવરબ્રિજ નજીક આવેલી રાજદીપ સોલાર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં અમદાવાદની શ્રી સાંઇ સર્વિસીસ નામની કંપની દ્વારા એ.સી. લગાવવાની કામગીરી ચાલી રહી છે જે માટેનો સામાન આ કંપનીના ગોદામમાં તથા બહાર રાખવામાં આવ્યો હતો. ગત તા. 19/10ના સાંજે કામદારો પોતાનું કામ પતાવી પરત ગયા બાદ સવારે કંપનીના અન્ય કામદારો કંપનીમાં આવતાં સામાન ગુમ હોવાનું બહાર આવ્યું હતું. નિશાચરોએ રાત્રિ દરમ્યાન અહીંથી ગોદામના તાળાં તોડી તેમાંથી પાંચ કોર 1.5 સ્ક્વેર મિ.મી.નો 100 મીટર, 4 કોર 2.5 સ્ક્વેર મિ.મી.નો 100 મીટર, બે કોર 1.5 સ્ક્વેર મિ.મી.નો 100 મીટર એમ 300 મીટર વાયર, કોપર પાઇપ, ટયૂબ 90થી 100 કિલો, કોપરના હર્ડવેર ફિટિંગ, જુદા જુદા આકારના એલ્બો, કપ્લર નંગ 370, લોખંડનો સ્પોર્ટ વાયર રોપ નંગ-150, જુદો જુદો સામાન એમ કુલ રૂા. 2,04,500ની મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. આટલી મોટી માત્રામાં ચોરી કરવા આવેલા તસ્કરોએ કોઇ મોટા વાહનનો ઉપયોગ કર્યો હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ?ધરી છે. ભચાઉથી ગાંધીધામ તથા કાસેઝ પછવાડે આવેલા ભંગારના અમુક વાડાઓની તટસ્થતાથી તપાસ હાથ?ધરવામાં આવે તો અનેક ચોરીના ભેદ ઉકેલાય તેમ છે પરંતુ આવું ન થતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang