• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

`શ્રીમાન જિનપિંગ, સીમાએ શાંતિની પ્રાથમિકતા જરૂરી'

કઝાન (રશિયા), તા. ર3 : રશિયાના કઝાન શહેરમાં `િબ્રક્સ' દેશોનાં સંમેલન અંતર્ગત વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે પાંચ વર્ષ બાદ દ્વિપક્ષીય વાતચીત થઈ છે. ર0ર0માં ગલવાન ખીણમાં બંન્ને દેશના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ પહેલીવાર બંન્ને નેતા બુધવારે વાતચીત માટે સાથે બેઠા અને પ0 મિનિટ સુધી અનેક મુદ્દે વાત કરી હતી અને સરહદે શાંતિ સાથે પરસ્પર વિશ્વાસ, સહયોગ અને સન્માન જળવાય તે બાબત પર ભાર મૂક્યો હતો અને  સીમા વિવાદ ઉકેલવા માટેના હાલના કરારની સરાહના કરી હતી. દ્વિપક્ષીય બેઠકમાં મોદીએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, સીમા પર શાંતિ અને સ્થિરતા રાખવાની આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. લાંબા સમયગાળા બાદ યોજાયેલી બેઠકની મહત્ત્વતા અંગે વાત કરતાં મોદીએ કહ્યું હતું કે, ભારત-ચીનના સંબંધો ન માત્ર બંને દેશ, પણ વૈશ્વિક સ્તર પર શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પણ અગત્યના છે. આ પહેલાં રાત્રિભોજમાં પુતિન, મોદી અને જિનપિંગ સાથે રહ્યા હતા. બેઠકમાં વડાપ્રધાન મોદીએ જિનપિંગને કહ્યું કે, છેલ્લાં ચાર વર્ષમાં સરહદ પર સર્જાયેલી સમસ્યાઓ પર જે સહમતિ સધાઈ છે, તેનું અમે સ્વાગત કરીએ છીએ.  જિનપિંગે મોદીને કહ્યું કે, બંન્ને દેશે પોતાના મતભેદ યોગ્ય રીતે સંભાળવા જોઈએ. ભારત અને ચીને પોતાના સંબંધોને સામાન્ય રાખવા એકબીજા સાથે મળીને કામ કરવું જોઈએ ત્યારે જ બંન્ને દેશ પોતાના વિકાસ લક્ષ્યાંકને પૂરો કરી શકશે. વિશ્વાસ, સન્માન અને સંવેદનશીલતા જ બંને દેશના  સંબંધોને મજબૂત કરવા માર્ગદર્શનની ભૂમિકા ભજવશે, તેમ પણ મોદીએ ઉમેર્યું હતું. વડપ્રધાને સોશિયલ મીડિયા પર પણ મુલાકાતની તસવીરો મૂકતાં લખ્યું હતું કે, બ્રિક્સ બેઠક દરમ્યાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થયેલા ચર્ચા-વિમર્શમાં બંને દેશના સંબંધો પર ભાર મૂકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, હજુ મંગળવારે ચીન અને ભારત વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને સેના દ્વારા કરાતાં પેટ્રોલિંગ મામલે સહમતી સધાઈ હતી. ચાર વર્ષથી ચાલતા ગતિરોધને સમાપ્ત કરવાની દિશામાં ભારતને મોટી સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે, 2020માં પૂર્વી લદ્દાખ સીમાએ બંને દેશ વચ્ચે વિવાદ ઊભો થયો હતો, તેનાં ચાર વર્ષ બાદ પહેલીવાર ઉચ્ચ સ્તર પર આ બેઠક યોજાઈ હતી.`બ્રિક્સ' સંમેલનમાં મોદીના મુદ્દા - ભારત યુદ્ધ નહીં, કૂટનીતિ અને વાતચીતનું સમર્થક - યુપીઆઈ ભારતની સિદ્ધિ, બ્રિક્સ દેશો સાથે સિસ્ટમ શેર કરવા તૈયાર - મિશન લાઈફ-એક પેડ મા કે નામ...માં જોડાવા આમંત્રણ - ડિજિટલ હેલ્થની કામગીરી શેર કરવા તૈયાર -આતંકવાદમાં બેવડાં ધોરણો નહીં ચાલે - યુએનએસસીમાં રિફોર્મ જરૂરી 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang