• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

કચ્છની કન્યાઓની કમાલ : આંતર જિલ્લા ક્રિકેટ ટૂર્ના.માં રૂરલની મહિલા ટીમ બની ચેમ્પિયન

ગાંધીધામ, તા. 23 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ભાવનગર ખાતે આયોજીત આંતર જિલ્લા મહિલાઓ માટેની અન્ડર-19 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસો.ની મહિલા ટીમે ફાઇનલમાં ભાવનગરને મ્હાત આપીને ટ્રોફી ઉપર કબજો મેળવ્યો હતો. એસ.સી.એ. દ્વારા વૂમન્સ અન્ડર-19 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કે.ડી.આર.સી.એ., રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદરની ટીમોએ ભાગ લીધો હતો. કે.ડી.આર.સી.એ.એ રાજકોટ સામે 132 રન કર્યા હતા. રાજકોટની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ખોઇને 106 ઉપર થંભી જતાં રાજકોટની ટીમ હારી ગઇ હતી. બીજી મેચમાં જામનગરની ટીમે ચાર વિકેટ ખોઇ માત્ર 26 રન કર્યા હતા, જ્યારે  કે.ડી.આર.સી.એ.ની ટીમે 4.3 ઓવરમાં બે વિકેટ ખોઇ 27 રન કરી જીત હાંસલ કરી હતી. જેમાં કચ્છની રિદ્ધિ ઝરૂએ બે વિકેટ મેળવી પ્લેયર ઓફ ધી મેચ બની હતી. પોરબંદર સામે કચ્છની મહિલા ખેલાડીઓએ 20 ઓવરમાં બે વિકેટ ખોઇને 194 રન ફટકાર્યા હતા. જેમાં સલોની રાકેશ ધોળકિયાએ 18 ચોગ્ગાની મદદથી 102 રન કર્યા હતા. પોરબંદરની ટીમ નિર્ધારિત ઓવરમાં 7 વિકેટ ખોઇને માત્ર 57 રન પર સમેટાઇ ગઇ હતી. ફાઇનલ મેચ ભાવનગર અને કે.ડી.આર.સી.એ. વચ્ચે થઇ હતી, જેમાં 19.2 ઓવરમાં ઓલઆઉટ થઇ ભાવનગરની ટીમે 61 રનનો લક્ષ્ય આપ્યો હતો. આ લક્ષ્યને પહોંચી વળવા મેદાનમાં ઉતરેલી કેડીઆરસીએની ટીમે 10.3 ઓવરમાં બે વિકેટ ખોઇ 62 રન કરી ટ્રોફી ઉપર કબજો કર્યો હતો. કે.ડી.આર.સી.એ. વતી આશાબા વાઘેલાએ 27 રન કરી પ્લેયર ઓફ ધી મેચ રહી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang