• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

બે યુદ્ધના તનાવ વચ્ચે `બ્રિક્સ' સંદેશ પર વિશ્વની મીટ

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિમંત્રણને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા રશિયા પહોંચ્યા છે. બ્રિક્સ પાંચ દેશ (બ્રાઝીલ, રૂસ, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા)નું સંગઠન છે. તેનું શિખર સંમેલન 22થી 24 ઓક્ટોબર દરમ્યાન કઝાનમાં યોજાઇ રહ્યું છે. વડાપ્રધાન મોદીની આ યાત્રા અનેક રીતે મહત્ત્વની છે, એક તો કઝાનમાં અનેક દેશના વડાઓ સાથે મુલાકાત-વિચાર વિમર્શ થશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેના હસ્તધૂનનમાં થોડી આત્મીયતા વર્તાશે. કેમ કે, બ્રિક્સ સંમેલન પૂર્વે જ એક મહત્ત્વની સફળતામાં ભારત અને પૂર્વ લદ્દાખમાં તણાવ ઘટાડવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરીને વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર 2020ની સ્થિતિએ બંને દેશનાં દળોને પાછા લઇ જવાનું નક્કી કર્યું છે. મોદી-જિનપિંગ વચ્ચે શિખર બેઠક થઇ શકે છે. 2020માં બંને રાષ્ટ્રવડા વચ્ચે ગલવાન મુદ્દે છેલ્લી બેઠક થઇ હતી. એ ઉપરાંત રશિયા અને પછી યુકેના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથેની બેઠક બાદ મોદી પહેલીવાર પુતિનને મળવાના છે. રૂસના યુક્રેન વચ્ચે ચાલતાં ભીષણ યુદ્ધમાં સમાધાનનો રસ્તો શોધવા માટે દુનિયા મોદી તરફ મીટ માંડી રહી છે. આ વખતે બ્રિક્સમાં પાંચ નવા સભ્ય ઇજિપ્ત,  ઇથોપિયા, ઇરાન, સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત ઉમેરાયા છે. એ સિવાય કમસેકમ 24 સંભવિત સભ્ય શિખર સંમેલનમાં ભાગ લેશે. બ્રિક્સ શિખર સંમેલનને વ્લાદિમીર પુતિન માટે શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવે છે. પુતિન એવું દર્શાવવા માગે છે કે, યુક્રેન યુદ્ધ માટે મોસ્કોને એકલું પાડી દેવાના પશ્ચિમ દેશોના પ્રયાસ સફળ નથી થયા અને આજે પણ રશિયાના દુનિયાભરમાં મિત્ર છે. અહીં એ નોંધનીય છે કે, બ્રિક્સનો જેમ જેમ વિસ્તાર થતો જાય છે, તેમ તે વૈશ્વિક બાબતોમાં પ્રભાવશાળી ખેલાડી બનવા તરફ અગ્રેસર છે. આ સંગઠનના સભ્ય દેશોની વસતી દુનિયાની 45 ટકા છે. બ્રિક્સમાં સાઉદી અરેબિયા અને ઇરાન જેવા પશ્ચિમ એશિયાઈ દેશોને જોડવા સંગઠન માટે લાભકારી છે. કેમ કે, આ દેશો ભરપૂર ઊર્જા સંસાધનો ધરાવે છે. સાઉદી અરેબિયા મુખ્યત્વે તેલ ઉત્પાદક દેશ છે અને તેના ખનિજ તેલનો મોટો હિસ્સો ચીન તથા ભારત જેવા દેશોમાં પહોંચે છે. બ્રિક્સ દેશોની આર્થિક તાકાત જોઇએ, તો સભ્ય રાષ્ટ્રના અર્થ તંત્રનું કુલ મૂલ્ય લગભગ 28.5 ટ્રિલિયન યુ.એસ. ડોલર છે, જે વૈશ્વિક અર્થવ્યવસ્થાના 28 ટકા છે. ઇરાન, સાઉદી અરેબિયા અને યુએઇની ખનિજ તેલના ઉત્પાદનમાં 44 ટકા ભાગીદારી છે. બ્રિક્સ રાષ્ટ્રોની મહત્ત્વતા આના ઉપરથી પૂરવાર થાય છે. ઇજિપ્ત અને ઇથોપિયાનું વ્યૂહાત્મક મહત્ત્વ છે. રાતા સમુદ્ર ક્ષેત્રમાં ચાવીરૂપ દરિયાઇ વેપાર માર્ગો નજીક આવેલા હોવાથી આ દેશોની રણનૈતિક અગત્યતા છે. એકંદરે યુક્રેન, રૂસ લડાઇ અને ઇઝરાયલ-હમાસ યુદ્ધના સિનારિયોમાં યોજાઇ રહેલા બ્રિક્સ સંમેલનમાં લેવાનારા નિર્ણયની અસર દૂરોગામી હશે. દુનિયાને કનડતા અનેક પ્રશ્નોની ચર્ચા માટે બ્રિ મહત્વનો મંચ બની રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang