• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

કાશ્મીરમાં આતંકીઓનો પડકાર

જમ્મુ-કાશ્મીરમાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ અને ચૂંટાયેલી નવી સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં છે. જો કે, મુખ્યપ્રધાન ઓમર અબદુલ્લાએ કાર્યભાર સંભાળતાં જ ગાંદરબલમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. ઓમર ગાંદરબલથી વિધાનસભ્ય ચૂંટાયા છે. આ આતંકવાદી હુમલાનું ટાઇમિંગ ઘણું બધું કહી જાય છે. એક તો લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકારનું આવવું અને પાકિસ્તાન દ્વારા ભારત સાથે મંત્રણા પહેલાંના સંકેત પછી આ હુમલો થયો છે. 10 વર્ષ પછી ચૂંટણી બાદ આવેલી નવી સરકાર માટે રાજ્યને સુરક્ષિત રાખવાનો પડકાર હશે. ઓમરે કહ્યું છે કે, કાશ્મીરને પાકિસ્તાન બનવા નહીં દેવાય પણ બોલ્યું પાળવા માટે તેમણે ઘણું કામ કરવાનું છે. ખાસ તો કેન્દ્ર સરકાર સાથે તાલમેલ કેળવીને કાશ્મીરમાં ભારતના બીજા રાજ્યો જેમ જ સામાન્ય સ્થિતિ જાળવી રાખવી જરૂરી છે. આતંકવાદીઓની સક્રિયતા દર્શાવે છે કે, કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ ભારતને વધુ એક આકરું પગલું ભરવાનું રહેશે. લગભગ નવ વર્ષોથી ચાલી રહેલા ઓપરેશન ક્લીન છતાં રાજ્ય આતંકમુક્ત નથી બની શક્યું. આ દિશામાં ભારે પ્રયાસો કરવા જોઈએ. એ નક્કી છે કે, આતંકવાદની પાછળ સીમાપારની શક્તિ છે અને તે વર્ષોથી આતંકવાદી હુમલા કરી રહી છે, આથી ભારતે હવે આરપારની લડાઈ વિશે ગંભીરતાથી વિચારવાનું રહેશે. જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ આતંકવાદી હુમલામાં સાત જણનાં મૃત્યુ થયાં છે. કલમ 370ની મોટા ભાગની જોગવાઈઓ હટાવ્યા પછી કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં બહારના શ્રમિકો અને પર્યટક નિશાન પર રહ્યા છે. કાશ્મીરમાં આતંકવાદી હુમલાની પેટર્ન પણ છે, જ્યારે પણ સ્થિતિ સામાન્ય થતી લાગે, આતંકવાદી જૂથ હુમલા કરે છે અથવા પાકિસ્તાન સરકાર ભારત તરફ મૈત્રીનો હાથ આગળ વધારવાની તૈયારીમાં હોય ત્યારે સક્રિય આતંકવાદી જૂથ કાશ્મીરમાં આતંકવાદી હુમલા કરાવે છે. પાકિસ્તાનની આઈએસઆઈ અને સેનાને એ સહન નથી થતું કે, પાકિસ્તાનની ચૂંટાયેલી સરકાર ભારત સાથે સંબંધો સુધારવાની પહેલ કરે. આ સ્થિતિ પાકના ભૂતપૂર્વ વડાપ્રધાન લિયાકત અલીના સમયથી છે, જ્યારે પણ પાકિસ્તાનની સરકારે ભારત સાથેના સંબંધ સુધારવાની પહેલ કરી છે, આતંકવાદી હુમલા દ્વારા આ પ્રયાસોની ગાડી પાટા પરથી ઊતારી મૂકવાની પ્રવૃત્તિ થઈ છે. આઈએસઆઈના દબાણનાં પગલે પાકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ આગ્રામાં અધવચ્ચે મંત્રણા છોડી સ્વદેશ પરત ફર્યા હતા. આઈએસઆઈ કઈ વિદેશી શક્તિઓના ઈશારે ચાલે છે, એ હવે છૂપું નથી રહ્યું. ભારતના ટુકડા કરી પાકિસ્તાનનું સર્જન થયું ત્યારથી પાક સેના ભારત વિરુદ્ધ વેર રાખી રહી છે અને આ દુશ્મનીના પગલે આતંકવાદી જૂથોને પાળી-પોષી ઝેરીલા-ડંખીલા બનાવ્યા છે, જેનો ડંખ હવે પાક ખુદ ઝીલી રહ્યું છે. ભારત હંમેશાં એક જ વાત ઉચ્ચારે છે, પાક પહેલાં ભારત વિરુદ્ધ આતંકવાદ બંધ કરે, પછી શાંતિ મંત્રણા માટે આવે. ભારત સીમાની અંદર અને બહાર બન્ને બાજુ આતંકવાદી ઘૂસણખોરી અને હુમલાથી પીડિત છે. ભારત કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ લડી રહ્યું છે, પણ હવે વળતો હુમલો કરવાનો સમય આવી ગયો છે. ભારતે કાશ્મીરમાંથી તો આતંકવાદીઓને વીણી-વીણીને સાફ કરવા જોઇએ અને સાથે જ સીમાપાર પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકના આકાઓની સાન ઠેકાણે લાવવી રહી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang