• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

કિસાનો માટે રૂા. 1419 કરોડનું પેકેજ જાહેર

અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓગસ્ટ માસ દરમ્યાન વરસેલા વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું, જેના કારણે રાજ્ય સરકાર દ્વારા રૂા. 1419.62 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર કરેલા રાહત પેકેજમાં રૂા. 1097.31 કરોડ એસડીઆરએફ હેઠળ અને રાજ્ય બજેટમાંથી સહાય પેટે રૂા. 322.33 કરોડ ચૂકવાશે. કિસાનોને 33 ટકા કે તેથી વધુ નુકસાન બદલ સહાય કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી હૃષીકેશ પટેલે વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ માસમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર એમ ર0 જિલ્લાના મળી કુલ 136 તાલુકાના કુલ 6812 ગામમાં ભારે વરસાદ વરસતાં  અસરગ્રસ્ત થયા હતા. આ અસરગ્રસ્ત વિસ્તારમાં વિવિધ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કુલ 1218 જેટલી ટીમે આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો, જેના આધારે આશરે સાત લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતને સહાય આપવામાં આવશે. ખેડૂતોને નિયમાનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતાં મંત્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફ-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકસાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની રૂા. 322.33 કરોડની ટોપ-અપ સહાય અપાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang