• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

પન્નુના કેસથી અમેરિકાના બેવડાં ધોરણનો પર્દાફાશ

કેનેડા પછી હવે અમેરિકાએ શીખ અલગતાવાદીઓની સલામતીના કહેવાતા મુદ્દાને આગળ ધરીને ભારતને ક્ષોભમાં મૂકે એવા આરોપો લગાવવા શરૂ કર્યા છે. ખાલિસ્તાની નેતા અને ભારત વિરોધી સતત ઝેર ઓકતા ગુરપતવંતાસિંહ પન્નુની હત્યાનું કહેવાતું કાવતરું રચવાના આરોપમાં એક ભારતીય નાગરિકને મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો છે. આ શખ્સની તસવીર સાથેનાં પોસ્ટર પણ જાહેર કરીને એફબીઆઇએ ન્યૂયોર્કની એક અદાલતમાં કેસ નોંધાવી દીધો છે. આ ઓછું હોય તેમ આ ભારતીય નાગરિક રોનો એજન્ટ હોવાનો દાવો પણ એફબીઆઇએ કર્યો છે. ભારત સરકારે જો કે, આ આરોપને નકારીને આ વોન્ટેડ શખ્સ ભારત સરકારનો કમર્યચારી ન હોવાની સ્પષ્ટતા કરી છે. આમ તો પન્નુની હત્યાનું કહેવાતું કાવતરું ઘડવાનો આ કેસ સાવ નવો નથી. થોડા સમય પહેલાં અમેરિકાની સલામતી એજન્સીએ એવો દવો કર્યો હતો કે, પન્નુની હત્યાનું બે ભારતીય નાગરિકોએ કાવતરું ઘડયું છે અને તે માટેના શુટરોને નાણાં પણ અપાયાં છે. આવા ગંભીર આરોપો બાદ અમેરિકા અને ભારતના સલામતી એજન્સીના અધિકારીઓ વચ્ચે આ મુદ્દે વાટાઘટો પણ યોજાઇ હતી, પણ અમેરિકા તેની કહેવાતી તપાસનાં તારણોમાં બાંધછોડ કરવા કે સમજવા તૈયાર ન હોય એવો તાલ સર્જાયો છે. ખાસ તો અમેરિકન સરકારનો એવો મત રહ્યો છે કે, કોઇ બીજા દેશના નાગરિક તેને ત્યાં (અમેરિકામાં) તેના નાગરિકની હત્યાનું કાવતરું રચે તો તે ગંભીર ગુનો બને છે. આ બન્ને ભારતીય પર હત્યાનાં કાવતરાં ઉપરાંત મની લોન્ડરિંગ અને નાણાંની ગેરકાયદે આપ-લેનો અન્ય એક કેસ પણ નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં અલગતાવાદી હરદીપાસિંહ નિજ્જરની કેનેડામાં હત્યામાં થયેલી હત્યાના કેસમાં ત્યાંની સરકારે ભારતીય એજન્સીઓની સામે આરોપ મૂકીને રાજદ્વારી મોરચો ખોલી નાખ્યા બાદ ભારતે આકરું વલણ લીધું છે. ભારતે કેનેડાની સામે નમતું ન જોખવાના લીધેલા કડક વલણની તુરત બાદ અમેરિકાએ કેનેડાની તરફેણ કરીને પન્નુના કેસમાં કાર્યવાહી કરી છે. જો કે, અમેરિકા આમ કરતી વેળાએ ભારત સાથેની મિત્રતાને વિસરી ગયું છે અને ખાસ તો ભારતે પન્નુને આતંકવાદી જાહેર કર્યો હોવાની વાત પણ વિસરી ગયું છે. આવા સંજોગોમાં ભારતની સામે કેનેડાની સાથે રાજદ્વારી જંગની સાથોસાથ હવે અમેરિકાની પણ વાસ્તવિક્તાનું ભાન કરવાનો બેવડો પડકાર આવ્યો છે. દુનિયાના કોઇ પણ દેશમાં ઘૂસીને પોતાને ત્યાં આતંકી હુમલાના જવાબદારને નિશાન બનાવવા માટે પંકાયેલા અમેરિકાએ તેની પોતાની ધરતી પરથી ભારત જેવા મિત્ર સામે આતંકવાદને ઉશ્કેરતા આરોપીનાં હિતોના રક્ષણનું જે બેવડું ધોરણ અપનાવ્યું છે તે ખરા અર્થમાં વખોડવા યોગ્ય છે. ખેરખર તો પન્નુના કેસમાં અમેરિકાએ જે રીતે વલણ લીધું છે તે આંતકવાદના મામલે તેના સાચા ચહેરાનો પર્દાફાશ કરે છે. ભારતે તેના મિત્રને આ વાસ્તવિક્તાનો અરીસો બતાવવા રાજદ્વારી પગલાં લેવાની ખાસ જરૂરત વર્તાઇ રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang