• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

શાસ્ત્રી ધર્મજીવનદાસજીની ગુરુસ્મૃતિ રખાશે

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 23 : જેણે કચ્છમાં સ્વામિનારાયણ વિદ્યાલય-બોર્ડિંગ સહિત શિક્ષણ માટે કાર્ય કર્યું તેવા સંત શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી જ્યાં ભણ્યા હતા તે કેરા-કુન્દનપરની જે.પી. એન્ડ એલ.એસ. હાઇસ્કૂલ જે સંસ્થા હેઠળ?છે તે ટ્રસ્ટ દ્વારા ડિસેમ્બરમાં પૂર્વ છાત્ર ગૌરવ તરીકે શાત્રી સ્વામીની સ્મૃતિ પ્રતિમા બિરાજીત કરાશે. સાથે ઓડિટોરિયમ ઉદ્ઘાટન, ભૂમિ વિસ્તૃતિકરણ સહિતના વિકાસ કાર્યો શિક્ષણાર્પણ થશે. 115 વર્ષ પહેલાં કેરાના ખોજા ભાયાતોએ શરૂ કરેલ શિક્ષણયાત્રા આજે અનેક ગ્રામ્ય છાત્રો માટે તરાપો બની છે ત્યારે આ સંસ્થામાં ભણી દેશ-વિદેશમાં શિક્ષણનો પ્રસાર-પ્રચાર કરનાર વિદ્વાન સંતરત્ન  ધર્મજીવનદાસજી શાત્રીના કાર્યોમાંથી નવી પેઢી પ્રેરણા લે તે માટે એક સમર્થ શિક્ષણવિદ્ તરીકે શ્વેત સંગેમરમરની આરસ કદ પ્રતિમા સાથેનું ગુરુમંદિર નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો હતો. ટ્રસ્ટે જણાવ્યું હતું કે ભુજ મંદિરના વર્તમાન મહંત પુરાણી ધર્મનંદન-દાસજી સ્વામી પણ આ ટ્રસ્ટના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ગુરુ-શિષ્યની આ બેલડીએ કચ્છને આઠ ગુરુકુળો, હાઇસ્કૂલ, સંસ્કૃત પાઠશાળા, વિદેશમાં સંગીત-નૃત્ય, સાહિત્ય, ભાષાના વર્ગો સાથે શિક્ષણનો પ્રચાર-પ્રસાર કરી નોંધપાત્ર કાર્ય કર્યું છે. બે વર્ષ પહેલાં આ સંકુલનું નામ સંતો સાથે જોડાયું હતું. હવે લાગુની ભૂમિ પર મહંત સ્વામીની આખા-આશીર્વાદથી ખરીદાઇ છે. આ સમગ્ર સંકુલ શાત્રી સ્વામીના નામે ઓળખાશે. તા. 17/12ના સવારે 9 કલાકે નૂતન ઓડિટોરિયમ મહંત સ્વામી ખૂલ્લું મૂકશે. આ નિર્માણકાર્યમાં ચોવીસી સહિત ખાસ બળદિયા, નારાણપર, દહીસરા, સૂરજપર ગામોનો વિશેષ સાથ મળ્યો છે. સાંખ્યયોગી બહેનો, સંતો પણ અહીં ભણ્યા છે. કચ્છી લેવા પટેલ સમાજના કાર્યકરોએ પણ પીઠબળ આપેલ હોવાનું ટ્રસ્ટે ઉમેર્યું હતું. શાત્રી સ્વામીના સૌ પ્રથમ એવા આ ગુરુમંદિર નિર્માણની જાહેરાતથી સ્વામીના શિષ્યવૃંદ, ચાહકોમાં આનંદની લાગણી ફેલાઇ હોવાનું કેરા-કુન્દનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટની એક યાદીમાં જણાવાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang