• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

વેરાન બનેલા રાજેન્દ્રબાગની સંભાળ લેવાય તો ભુજને નયનરમ્ય સ્થળ મળે

ભુજ, તા. 23 : શહેરના રાજેન્દ્રબાગની સુધારણા કરી લોકભોગ્ય બનાવવા માંગ કરાઈ હતી. આ અંગે યુવા સામાજિક અગ્રણી મીત જોશીની યાદીમાં જણાવાયા મુજબ ભુજના હમીરસર તળાવની વચ્ચે આવેલા રાજેન્દ્રબાગનો ભવ્ય ભૂતકાળ હતો જે અત્યારે વેરાન પડયો છે. રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના નામે અને યાદગીરી રૂપે આ બાગ બનાવાયો હતો. આ બાગમાં લાઈટ નથી, ઝાળી કપાઈ નથી, બેન્ચો વ્યવસ્થિત નથી અને ગંભીર બાબત તો એ છે કે, અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયો છે જેને કારણે સુજ્ઞ નાગરિકો આ બાગમાં જતાં જ બંધ થઈ ગયા છે. જો નગરપાલિકા નિષ્ઠાપૂર્વક આ બાગની સંભાળ લે અને તેમાં વોકિંગ ટ્રેક, નવા ફુલ-ઝાડ, નવી લાઈટો, માળી તેમજ ચોકીદાર રાખે, બાળકો માટે રમત-ગમતના સાધનો રાખે તેમજ ઝાડી કપાવી યોગ્ય સફાઈનું આયોજન ગોઠવે તો ભુજવાસીઓને હરવા-ફરવાનું નવું સ્થળ મળે. નગરપાલિકાને સાથસહકાર આપવા સામાજિક સંગઠનો, નગરસેવકો, વેપારી સંસ્થાઓ પણ આગળ આવે. ઉપરાંત ભુજમાં 50થી 60 જુદી-જુદી જ્ઞાતિના મહિલા મંડળો પણ આ બાગમાં વિવિધ પ્રવૃત્તિ તેમજ કાર્યક્રમોનું આયોજન કરે તો બાગની રોનક ફરી પાછી આવે. જંગલખાતામાં પણ માતબર ગ્રાન્ટ આવતી હોય છે જેનો ઉપયોગ પણ રાજેન્દ્રબાગમાં કરાય તો શોભા વધે તેવું શ્રી જોશીએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang