• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

ભીમાસરમાં ખોટા દસ્તાવેજ થકી જમીન પચાવી પાડનાર સામે ફરિયાદ

ગાંધીધામ, તા. 23 : રાપર તાલુકાના ભીમાસરમાં જમીન પચાવી પાડવા તથા ત્યાંથી પસાર થતી વીજ લાઇનનો આર્થિક ફાયદો મેળવવા મૂળ માલિકોના ખોટા આધારકાર્ડ, ખોટા દસ્તાવેજ બનાવી પોતાનાં નામે જમીન કરાવી લેતા ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. રાપર પોલીસ મથકે મૂળ ભીમાસર હાલે સુરત રહેતા દિનેશ સવચંદ મહેતાએ ભીમાસરના કરશન ભૂરા મકવાણા, ભલા વસા ભરવાડ તથા મધ્યપ્રદેશના આશિષસિંહ રામનારાયણસિંહ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભીમાસરની સીમમાં કંચનબેન કાંતિલાલ પુજની જમીન આવેલી છે, તેમનું અવસાન થતાં તેમના પુત્ર હરીશ, રાજેશ તથા દીકરી જયશ્રીબેન વિપિન મોહનલાલ જૈનના નામે આ જમીન થઇ હતી જેમાં રાજેશે પોતાનો હક્ક જતો કર્યો હતો. ભચાઉ પ્રાંતએ આ જમીનમાંથી કે.વી.ડી.સી. લાકડિયા બનાસકાંઠા વીજ લાઇન મંજૂર કરી હતી, જેથી આ જમીનદારો તથા અન્ય ખેડૂતોએ નુકસાન વળતર પેટે રકમ ચૂકવવા માંગ કરતાં તે મંજૂર થયું હતું. દરમ્યાન બાજુની જમીનવાળા આરોપી કરશન ભૂરા મકવાણાએ  બનાવટી વેચાણ આપનાર ઊભા કરી હરીશ તથા જયશ્રીબેનના ખોટા આધારકાર્ડ બનાવી તેમાં અન્યોના ફોટા ચોંટાડયા હતા અને તે ખોટા આધારકાર્ડ થકી દસ્તાવેજ કરાવી જમીન પોતાના નામે કરાવી લીધી હતી તેમજ ભલા ભરવાડ અને આશિષસિંહએ હરીશભાઇ તથા જયશ્રીબેન ત્યાં હાજર ન હોવા છતાં તેમની ખોટી ઓળખ આપી હતી. આરોપી કરશન મકવાણાએ જેમલ ખીમા ગોપારા બાયડને આ જમીન વેચી નાખી હતી બાદમાં જેમલ બાયડે પરત આ જમીન કરશન મકવાણાને વેચી નાખી હતી. હરીશ તથા જયશ્રીબેનની આ જમીનના પાવરદાર એવા ફરિયાદીએ રાપર કોર્ટમાં ફોજદારી તપાસ અરજી કર્યા બાદ ત્યાંથી આદેશ થતાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang