• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

તહેવારોની ઉજવણી પર મોંઘવારીનો ઓછાયો

તહેવારોની મોસમમાં મોંઘવારીનો દર ફરી બેકાબૂ બની જતાં સામાન્ય માનવી માટે ઉજવણી મુશ્કેલ બની ગઇ છે. એક તરફ કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાંમાં ત્રણ ટકાનો વધારો કરીને તેમને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો છે, તેની સાથોસાથ ખેડૂતોને ઘઉં સહિતની ખેતપેદાશોમાં ટેકાના ભાવોમાં વધારા સાથે દિવાળીની ભેટ આપી છે, પણ બીજી તરફ 5.49 ટકાના દરે પહોંચેલી મોંઘવારીમાં સામાન્ય માનવી માટે કોઇ રાહત મળે તેમ જણાતું નથી. આર્થિક વિકાસના આંકડાથી દેશ અને દુનિયામાં ગૌરવની લાગણી વ્યક્ત કરતી રહેલી ભારત સરકાર માટે તેના મોટા વર્ગ માટે બે ટંકનાં ભોજનની વ્યવસ્થા કરવા માટે મફત અનાજની યોજના સતત ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. ખાનપાનની વસ્તુઓના ભાવો વધી જતાં છેલ્લા નવ મહિનાના ગાળા બાદ મોંઘવારીએ માથું ઊંચક્યું છે. સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારીનો દર 5.49 ટકાને આંબી જતાં છૂટક મોંઘવારીને ચાર ટકાનાં સ્તરથી નીચે રાખવાના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રયાસોને મોટો ફટકો પડયો છે. હાલત એવી છે કે, મોંઘવારી હવે ચાર ટકાનાં લક્ષ્યને પાર કરી ગઇ છે. ખાસ તો રોજબરોજના વપરાશની વસ્તુઓ અને ખાવાપીવાની ચીજવસ્તુઓના ભાવો ઝડપભેર વધી રહ્યા છે. એક તરફ મોંઘવારીના જથ્થાબંધ ભાવાંકના આંકડા રાહતરૂપ બની રહ્યા છે. વસ્તુઓના જથ્થાબંધ ભાવો કાબૂમાં છે, પણ છૂટક ભાવો વધી રહ્યા છે તે દર્શાવે છે કે, નફાખોરીનું પ્રમાણ વધી ગયું છે, જેને લીધે મોંઘવારી વધી રહી છે. વળી, મોંઘવારીનો બોજો સામાન્ય માનવીઓ પર વધુ અનુભવાઇ રહ્યો છે. તેમની રોજગારી અને આવકમાં ઘટાડો થવાને લીધે તેમની ખરીદશક્તિ પર અસર પડી છે. ખાસ તો ખાવાપીવાની વસ્તુઓની ખરીદી કરવાનું તેમની માટે સતત મુશ્કેલ બની રહ્યંy છે. હાલત એવી છે કે, બજારમાં શાકભાજીના ભાવો એટલા બધા વધી ગયા છે કે, લોકો ઓછામાં ઓછી જરૂરત મુજબની ખરીદી કરે છે. ટમેટા, ડુંગળી જેવી રોજબરોજ વપરાશનાં શાકભાજીના ભાવ ફળોનાં ભાવની તોલે આવી ગયા છે. આવા સંજોગોમાં ખાવાપીવાની વસ્તુઓ સિવાયની ખરીદીને લોકો હવે ટાળવા લાગ્યા છે. આવી જ હાલત આગામી દિવસોમાં દિવાળીના તહેવારોની ખરીદીના માહોલ પર જોખમ ઊભું કરી શકે છે. આવામાં થોડા દિવસ અગાઉ રેપો દરમાં ઘટાડો કરીને વ્યાજના દર ઓછા કરવાની આદર્શ સ્થિતિ હવે સાવ પલટી ગઇ છે. સરકાર અને આરબીઆઇએ ફરીવાર મોંઘવારીને ચાર ટકાના દરથી ઓછી રાખવાની મથામણ પર ધ્યાન આપવું પડશે એ વાત નક્કી છે, તો ખેતપેદાશોના ટેકાના ભાવો વધારવાનાં પગલાંથી કિસાનોને ફાયદો જરૂર થશે, પણ તેનાથી મોંઘવારી વધુ ઝડપે વધશે એવી ભીતિ પણ વ્યક્ત થવા લાગી છે. આમ, આખો મામલો બેધારી તલવાર જેવો બની રહ્યો છે. સરકાર અને આરબીઆઇએ મોંઘવારીની કટોકટીમાંથી સામાન્ય નાગરિકોને ઉગારીને તેમને તહેવારોની ઉજવણી માટે માનસિક રીતે ઉત્સાહિત કરવા તાકીદનાં પગલાં લેવાં અનિવાર્ય છે. આવનારો સમય સામાન્ય નાગરિકોથી માંડીને સરકાર અને આરબીઆઇ માટે પડકારભર્યો બની રહેશે. બને એવું છે કે, શ્રીમંત વર્ગને કદી મોંઘવારી નડતી નથી. કાર્ડ સ્વાઇપ કરનારા કે ડિજિટલ પેમેન્ટ કરનારા કદી ભાવની પરવા કરતા નથી, પરંતુ મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ માટે કપડાં, અનાજ, મીઠાઇ, પગરખાં, રાચરચીલું, ઇલેક્ટ્રોનિક સામાનની ઊંચી કિંમત કસોટીકારક છે. તહેવારો ભલે આનંદનો અવસર હોય, પરંતુ એ આનંદ ચીજવસ્તુઓના ઊંચા ભાવોમાં ઝંખવાઇ જાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang