• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

વન-ડેમાં ઓસ્ટ્રેલિયાની સળંગ 13મી જીત

નોર્ટિંગહામ, તા. 20 : ફટકાબાજ ટ્રેવિસ હેડની અણનમ  દોઢી સદીની મદદથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની પ્રથમ વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયાનો 36 દડા બાકી રહેતા 7 વિકેટે સંગીન વિજય થયો છે. વન ડે ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાની આ સળંગ 13મી જીત છે. પ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડથી 1-0થી આગળ થયું છે. શનિવારે બીજી વન ડે રમાશે. ગઇકાલે રમાયેલી પહેલી વન-ડેમાં પહેલાં બેટિંગ કરતાં ઇંગ્લેન્ડ ટીમ પ0 ઓવરમાં 31પ રને ઓલઆઉટ થઇ હતી. ઓસ્ટ્રેલિયાએ 44મી ઓવરમાં જ વિજય લક્ષ્ય સર કરી લીધું હતું અને ફક્ત 3 વિકેટ જ ગુમાવી હતી. ઓપનર ટ્રેવિસ હેડે વન ડે કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. તે 129 દડામાં 20 ચોગ્ગા અને પ છગ્ગાથી 1પ4 રનની મેચ વિજેતા ઇનિંગ્સ રમી અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી આ ઉપરાંત માનર્સ લાબુશેને 61 દડામાં 7 ચોગ્ગા, 2 છગ્ગાથી 77 રનની ઇનિંગ્સ રમી હતી. સ્ટીવન સ્મિથે 32 અને કેમરૂન ગ્રીને 32 રનનું યોગદાન આપ્યું હતું. લાબુશેન-હેડ વચ્ચે 107 દડામાં 148 રનની અતૂટ ભાગીદારી થઇ હતી. લાબુશેને આ મેચમાં ઓલરાઉન્ડ દેખાવ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 3 વિકેટ લીધી હતી અને 4 કેચ પણ ઝડપ્યા હતા. આ પછી અર્ધસદી કરી હતી. એક વન ડેમાં આવી સિદ્ધિ હાંસલ કરનારો તે દુનિયાનો પહેલો ખેલાડી છે. અગાઉ ઇંગ્લેન્ડે બેન ડકેટના 9પ, વિલ જેકસના 62 રનની મદદથી 49.4 ઓવરમાં 31પ રન કર્યા હતા. ઝામ્પા અને લાબુશેને 3-3 વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang