• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

રાપરમાં યુવાન ઉપર ઊંધી કુહાડી-ધારિયા વડે હુમલો

ગાંધીધામ, તા. 20 : રાપરના નવાં પરાં વિસ્તારમાં યુવાન ઉપર ઊંધી કુહાડી, ઊંધા ધારિયા વડે હુમલો કરાતાં તેને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ રાપરના ત્રંબૌમાં બે શખ્સે વૃદ્ધ ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. રાપરના ધાડધ્રોમાં રહેનાર ફરિયાદી રમેશ મેમા કોળી (મસાણિયા) નામનો યુવાન કામ અર્થે રાપર બાજુ આવ્યો હતો. તે બાઇક લઇને જઇ રહ્યો હતો. તેવામાં ભરત હરજી કોળી, કિશોર આંબા કોળીએ તેને આંતરી તેના ઉપર ઊંધી કુહાડી, ઊંધા ધારિયા વડે હુમલો કર્યો હતો. બાદમાં હરજી વેલા કોળી અને આંબા કોળીએ તેને માર માર્યો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ભુજ લઇ જવાતાં તેના બે પગ તથા હાથની આંગળીમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ હોવાનું બહાર આવ્યું હતું. તા. 10-9ના બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી છે. મારામારીનો બીજો બનાવ ગત તા. 8-9ના બપોરે ત્રંબૌ સરાણ વાંઢમાં બન્યો હતો. ફરિયાદી રામજી ચોંડાભાઇ કોળી (મસાણિયા) પોતાના ઘરે સૂતા હતા ત્યારે આરોપી કિરણ સામા કોળી, દિનેશ પોપટ કોળીએ લાકડીઓ લઇને ત્યાં આવી ગાળાગાળી કરી હતી, જેની  ના પાડતાં ઉશ્કેરાયેલા આ શખ્સોએ વૃદ્ધ ઉપર હુમલો કર્યો હતો, જેમાં  તેમને હાથ, ખભામાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. આરોપીઓ તળાવડીમાં ભેંસો નાખતા, જેની ના પાડતાં મનદુ:ખ રાખીને આ હુમલો કરાયો હોવાનું પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang