• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

કાશ્મીરમાં પાકિસ્તાનની દખલ, કોંગ્રેસને મદદ

- કુન્દન વ્યાસ : જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ભારે મતદાન કરીને લોકોએ અલગતાવાદીઓને જાકારો તો આપ્યો છે, છતાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપીનાં ઘોષણાપત્રોને પાકિસ્તાનના સંરક્ષણપ્રધાને સમર્થન આપ્યું છે, તેની અસર મતદારોનાં માનસ ઉપર કેવી પડી રહી છે તે પરિણામમાં દેખાશે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને બંને સ્થાનિક પક્ષોએ દાયકાઓ સુધી વારાફરતી રાજ કરીને કાશ્મીરને તારાજ કર્યું છે-તે ઉપર ભાર મૂકીને નયા કાશ્મીરનાં સર્જન માટે લોકોને આહ્વાન કર્યું છે. જમ્મુ-કાશ્મીરનો ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે સ્થાનિક પક્ષો 370મી કોલમનું વાજું વગાડી રહ્યા છે-કોંગ્રેસના ઘોષણાપત્રમાં 370મી કલમનો ઉલ્લેખ નથી, પણ નેશનલ કોન્ફરન્સ સાથે સૂર પૂરાવે છે, પણ કોંગ્રેસ અને સ્થાનિક બંને પક્ષની ત્રિપુટી સામે સ્થાનિક પડકાર ગંભીર છે. એમની વોટ બેન્ક ઉપર રશીદ એન્જિનિયર ધાડ પાડી રહ્યા છે અને જો સફળ થાય, તો વિધાનસભા ત્રિશંકુ હશે એમ જણાય છે. અલગતાવાદી પ્રવૃત્તિ બદલ અબ્દુલ રશીદ દિલ્હીની તિહાડ જેલમાં હોવા છતાં બારામુલ્લાની લોકસભા બેઠક ઉપર પાંચ લાખની વોટની સરસાઈ મેળવી, પણ લોકસભામાં સભ્યપદના શપથ લઈ શક્યા નથી. ચૂંટણી પ્રચાર માટે રશીદ  એન્જિનિયરને 22 દિવસની મુક્તિ મળી છે. સ્થાનિક પક્ષોનો આક્ષેપ છે કે, રશીદ તો મોદીની બી-ટીમ છે અને વોટ કાપવા આવ્યા છે! જવાબમાં રશીદ કહે છે મને 20થી 25 બેઠક મળે તો હું કાશ્મીરની સમસ્યાનું ત્રણ વર્ષમાં નિરાકરણ કરું-આટલી બેઠકો મળે તો હું `મોદીને મારા સૂર ઉપર નચાવી શકું'! રશીદે અબ્દુલ્લા અને મુફ્તી ઉપર આક્ષેપ કર્યો છે કે, તેઓ નવી દિલ્હીના એજન્ટ છે અને મારી ટીકા કરે છે કે, હું વોટ કાપવા આવ્યો છું! હું જેલમાં હતો ત્યારે લોકસભાની બારામુલ્લા બેઠક ઉપર લોકોએ પાંચ લાખ વોટની સરસાઈ આપી અને હું જેલમાં હતો, ત્યારે ત્રણમાંથી એક પણ નેતાએ મારી અથવા મારા પરિવારના ખબર-અંતર પૂછવાની પણ દરકાર કરી નહીં. હું ચૂંટણી જીત્યો તે પછી પણ કોઈએ પરિવારની મુલાકાત લીધી નહીં. મને અલગ પાડીને માટીના ડુંગર નીચે દાટી દેવાના પ્રયાસ કર્યા છે. `370મી કલમ રદ થવાની શક્યતા હવામાં હતી ત્યારે મેં સ્થાનિક નેતાઓને એક મંચ ઉપર ભેગા થવા જણાવ્યું, પણ કોઈ આવ્યા નહીં અને હવે 370મી કલમ પાછી લાવવાની વાત કરે છે! ઓમર અબ્દુલ્લા અને સજ્જાદ લોન ઉમેદવારો બેઠકો ઉપર હારશે. એમને મારી હાજરીનો ડર છે. 370મી કલમ પાછી લાવવાનું વચન રશીદે આપ્યું નથી, પણ ત્રણ વર્ષમાં કાશ્મીરની સમસ્યાનું નિરાકરણ કરવાની વાત કરે છે. કેવી રીતે? પાકિસ્તાનના સમર્થનથી? ભારતથી અલગ થવાનો પ્રશ્ન નથી, તો રશીદનો પ્લાન શું છે ? એક વાત ચોક્કસ છે કે, ત્રિપુટી-ના વોટ તોડશે. હવે યુવા વર્ગ ભાજપ-મોદીને સમર્થન આપીને `નયા કાશ્મીર' પસંદ કરે છે-કે રશીદના કાશ્મીર માટે વોટ આપે છે તે જોવાનું છે. 370મી કલમ પાછા લાવવાનું શક્ય નથી અને મોદીએ ભારતના રાજ્યનો દરજ્જો આપવાનું વચન સંસદમાં આપ્યું છે, ત્યારે કાશ્મીરને જન્નત કોણ બનાવશે? 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang