• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

કેન્દ્રનું ફેક્ટચેક યુનિટ ગેરબંધારણીય

નવી દિલ્હી, તા. 20 : બોમ્બે હાઈકેર્ટે શુક્રવારે આઈટી નિયમોમાં 2023ના કેન્દ્ર સરકારના સંશોધનને ગેરબંધારણીય ગણાવતાં નામંજૂર કરી દીધું હતું. આ સંશોધન હેઠળ કેન્દ્ર સરકારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોતાના કામકાજ અંગે બનાવટી અને ભ્રામક સૂચનાઓની ઓળખ કરવા અને તેને નાબૂદ કરી શકાય તે માટે ફેક્ટ ચેક યુનિટ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. એડિટર્સ ગિલ્ડે હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. આઈટી નિયમોમાં કરવામાં આવેલા બદલાવ સામે દાખલ થયેલી અરજી ઉપર સુનાવણી કરતા જસ્ટિસ અતુલ ચંદુરકરની ટાઈ બ્રેકર બેંચે કહ્યું હતું કે, તેઓના માનવા પ્રમાણે સંશોધન ભારતના બંધારણના અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 19નું ઉલ્લંઘન કરે છે. જાન્યુઆરી 2024માં જસ્ટિસ ગૌતમ પટેલ અને ડો. નીલા ગોખલેની ખંડપીઠ દ્વારા અલગ-અલગ ચુકાદો આપવામાં આવ્યા બાદ કેસ ટાઈ બ્રેકર ન્યાયાધીશ પાસે ગયો હતો, જેના ઉપર ન્યાયમૂર્તિ ચંદુરકરે કહ્યું હતું કે, સંશોધન કલમ 21નું પણ ઉલ્લંઘન કરે છે. 2023માં કેન્દ્ર સરકારે આઈટી નિયમ 2021માં સંશોધન કર્યું હતું. જો કે, નિયમ 3 કે જે કેન્દ્રને ખોટા ઓનલાઈન સમાચારની ઓળખ કરવા માટે એફસીયુ બનાવવાનો અધિકાર આપે છે, તેને આલોચનાનો સામનો કરવો પડયો હતો. આ નિયમ સામે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટના જાન્યુઆરી 2024ના ચુકાદામાં જસ્ટિસ પટેલે માન્યું હતું કે, સૂચિત ફેક્ટ ચેક યુનિટ ઓનલાઈન અને પ્રિન્ટ કંટેન્ટ વચ્ચે અલગ-અલગ વ્યવહારના કારણે કલમ 19(1)(જી) હેઠળ મૌલિક અધિકારોનું સીધું ઉલ્લંઘન કરે છે. જો કે, બીજી તરફ જસ્ટિસ ગોખલેએ કહ્યું હતું કે, આઈટી નિયમોમાં સંશોધન અસંવૈધાનિક નહોતું અને અરજકર્તા દ્વારા ઉઠાવવામાં આવેલા આરોપ નિરાધાર હતા. અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર કોઈ પ્રતિબંધ નથી, જેના પરિણામે ચુકાદો ટાઈબ્રેકર જજ પાસે ગયો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang