• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય પુરુષ ટીમનો દબદબો : ઇરાન સામે જીત

બુડાપેસ્ટ, તા. 20 : ભારતીય પુરુષ ટીમે 4પમા ચેસ ઓલિમ્પિયાડના આઠમા રાઉન્ડમાં ઇરાન વિરુદ્ધ 3.પ-0.પથી શાનદાર જીત મેળવીને સુવર્ણ ચંદ્રકનો તેનો દાવો વધુ મજબૂત કર્યો છે. બીજી તરફ ભારતની મહિલા ટીમને પોલેન્ડના હાથે 1.પ વિ. 2.પ પોઇન્ટથી ચોંકાવનારી હાર સહન કરવી પડી છે. વર્તમાન ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય મહિલા ટીમની આ પહેલી હાર છે. જ્યારે પુરુષ ટીમ અપરાજિત રહી આગેકૂચ કરી રહી છે. ઓપન વર્ગમાં સતત આઠમી જીતથી પુરુષ ટીમના કુલ 16 પોઇન્ટ સાથે ટોચ પર છે. યજમાન હંગેરી, ઉઝબેકિસ્તાન પોઇન્ટ ટેબલ પર ભારતથી બે પોઇન્ટ પાછળ છે. ઇરાન સામેની મેચમાં વિશ્વ ક્રમાંકમાં ચોથા નંબરના ભારતના ખેલાડી અર્જુન એરિગૈસીએ ઇરાનના બર્દિયા દાનેશ્વરને માત આપી હતી. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલ રમત માટે તૈયાર  ડી. ગુકેશે ઇરાની ખેલાડી પરમ મધસુદલૂને હાર આપી હતી. આર. પ્રજ્ઞાનાનંદની અમીન સાથેની બાજી ડ્રો રહી હતી, જ્યારે વિદિત ગુજરાતીએ ઇદાની પૂયાને હાર આપી ભારતની સરસાઇ વધારી હતી. મહિલા વિભાગમાં ડી. હરિકા અને આર. વૈશાલીએ પોલેન્ડની ખેલાડીઓ સામે બાજી ગુમાવી હતી. આ પછી દિવ્યા દેશમુખે જીત મેળવી ભારતની વાપસી કરાવી હતી. વંતિકા અગ્રવાલની મેચ ડ્રો રહી હતી. આથી મહિલા ટીમને ટૂર્નામેન્ટમાં પહેલી હાર મળી હતી. મહિલા ટીમના ખાતામાં 14 અંક છે અને પોલેન્ડ, કઝાકિસ્તાન સાથે સંયુક્તરૂપે ત્રીજા સ્થાને છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang