• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

પેજર-વોકીટોકી વિસ્ફોટ ; હુમલાનું ઘાતક પરિમાણ

હિઝબુલ્લાહ પર શ્રેણીબદ્ધ હાઇટેક હુમલા સાથે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનાં યુદ્ધે ખતરનાક વળાંક લીધો છે. રશિયા-યુક્રેન વિગ્રહ અને પેલેસ્ટાઇન-ઇઝરાયલ સંઘર્ષ દરમ્યાન અત્યાર સુધી આધુનિક પરંપરાગત પદ્ધતિ જોવા મળતી હતી. યુદ્ધ વિમાનો, ટેન્ક, મિસાઇલમાં ડ્રોનનો ઉમેરો થયો. હજારો લોકો તેનો ભોગ બન્યા છે. હવે પેજર વિસ્ફોટ અને વોકીટોકી વિસ્ફોટે હાહાકાર તો મચાવ્યો છે સાથે દુનિયાભરમાં શેતાની વિચારધારાવાળા પરિબળો કે આતંકવાદીઓને આ સિસ્ટમ હાથ?ચડશે એ પછી શું થઇ શકે એની કલ્પના માત્ર હચમચાવી દેનાર છે. પેજર કે વોકીટોકી પછી મોબાઇલ-ટેબ્લેટ અને લેપટોપ પણ `િવસ્ફોટક' રૂપ લઇ શકે છે...વિમાનમાં લેપટોપ લઇને ચડતા મુસાફરના સ્વાંગમાં હવે આતંકવાદી નહીં ચડે એની શું ખાતરી ? 27થી વધુનાં મોત નીપજાવનાર આ કાર્યવાહીમાં હજારો ઘાયલ થયા છે. હિઝબુલ્લાહને મોટો ફટકો પડયો છે. આ માટે ઇઝરાયલે કોઇ જવાબદારી નથી સ્વીકારી પરંતુ એ રાષ્ટ્ર સિવાય આના પાછળ બીજું કોઇ હોવાની સંભાવના નથી. બૈરુત અને સીરિયામાં  જનજીવન રાબેતા મુજબ  ધબકતું હતું ને કમરમાં કે ગજવાંમાં  રખાયેલા પેજર બીપના અવાજ પછી એક સાથે ફાટયાં અને હજારો લોકો ગંભીર રીતે ઘવાયા. ઇઝરાયલનો આ ઘાતક વાર છે. ટેકનિકલ રીતે ઇઝરાયલ બધાથી આગળ છે. એની મિસાઇલ પ્રણાલીથી શત્રુઓ ફફડતા હોય છે. જાસૂસી એજન્સી મોસાદ મોબાઇલના માધ્યમથી કટ્ટર દુશ્મનોને નિશાન બનાવવામાં માહેર છે, એટલે જ ઇરાન સમર્થિત હિઝબુલ્લાહના લડાકુ પોતાની સ્થિતિ ગોપનીય રહી શકે એ માટે માહિતી-સંદેશાની આપ-લે માટે પેજરનો  ઉપયોગ કરતા હોય છે. મોસાદે આ બાબતનો ફાયદો ઉઠાવ્યો. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ મોસાદે બેનામી પેજર ઉત્પાદન કંપની ઊભી કરી અને હિઝબુલ્લાહને  વિસ્ફોટક ચીપ સાથેના પેજર સપ્લાય કર્યા. પેજર ધડાકાને  બીજે દિવસે વોકીટોકીમાં આ જ પ્રકારે સિરિયલ વિસ્ફોટથી મોટી જાન-માલ હાનિ થઇ છે. લેબેનોન અને બૈરુતમાં ભયાનક સ્થિતિ છે. ચોમેર ગભરાટ છે. લોકો બેટરીવાળા કોઇપણ ગેઝેટ  વાપરતાં ડરી રહ્યા છે. મોસાદના આ કથિત હુમલાએ દુનિયાને ડરાવી દીધી છે.  હિઝબુલ્લાહે બદલો લેવાના પ્રણ લીધા છે, એ જોતાં યુદ્ધ વધુ વકરશે. હિઝબુલ્લાહ ઇરાન સમર્થિત લેબેનોનનું શક્તિશાળી સંગઠન છે. પેજર અને વોકીટોકી વિસ્ફોટે સુરક્ષાની દૃષ્ટિએ તેની નબળાઇ છતી કરી છે. હોસ્પિટલોમાં  ઘાયલોના ચિત્કાર...રસ્તે લોહીથી લથપથ ઇજાગ્રસ્તો, એમ્બ્યુલન્સની આવ-જાએ યુદ્ધનો ડરામણો ચહેરો છતો કર્યો છે. આ કાર્યવાહીના પડઘા પડશે એ સાથે દુનિયા માટે મોટો બોધપાઠ એ છે કે, પોતાના સંચાર નેટવર્કને  બહારી હસ્તક્ષેપથી સુરક્ષિત રાખવા માટે ઘણું કરવાનું બાકી છે. વિજ્ઞાન, ટેકનોલોજીએ યુદ્ધ લડવાની રીતરસમ જ બદલી નાખી છે. પરંપરાગત સૈન્ય અને સુરક્ષાની તમામ અભેદ વ્યવસ્થા છિન્નભિન્ન થઇ ચૂકી છે. યુદ્ધ લડવા માટે ટેકનોલોજી વધુ આધારભૂત જરૂરિયાત બની છે. આ સંકેતો દુનિયા માટે સારા નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang