• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

ભુજમાં હમીરસરમાં ડૂબવાથી યુવતીનું મોત, દહીંસરા પાસે આખલાની હડફેટે યુવકે જીવ ખોયો

ભુજ/ગાંધીધામ, તા. 20 : શહેરના હમીરસર તળાવમાં ડૂબવાથી બળદિયાની ખેરુબેન મામદભાઈ ચાકી (ઉ.વ. 24)નું મોત થયું હતું, જ્યારે તાલુકાના દહીંસરા-માંડવી માર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં નરેશ અશોકભાઈ મારવાડા (ઉ.વ. 18)નું મોત થયું હતું, તો અબડાસા તાલુકાના ગુડથરમાં નટુભા વેલુભા જાડેજા (ઉ.વ. 45) નામના આધેડે ઝેરી પ્રવાહી પીને આપઘાત કર્યો હતો. બીજી બાજુ અંજાર તાલુકાના ચાંદ્રાણી નજીક ત્રણ રસ્તા પાસે બોલેરો ગાડીએ રિક્ષાને હડફેટમાં લેતાં જેનાબાઈ હનિફ અલારખા નામની બાળકીનું મોત થયું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ, શુક્રવારે વહેલી સવારે હમીરસર તળાવમાં ખેરુબેન નામની યુવતી ડૂબેલી હાલતમાં મળી આવી હતી, તેને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અકસ્માત મોતનો છે કે યુવતીએ આપઘાત કર્યો છે તે સહિતની આગળની તપાસ ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે હાથ ધરી છે. માર્ગ અકસ્માતની ઘટનામાં હતભાગી નરેશ તેના મિત્ર ઈમરાન લતીફ મથડાની એક્ટિવા પર બેસીને બિદડા જતો હતો ત્યારે માર્ગમાં આખલો આવી જતાં તેમાં ભટકાયા હતા. બંનેને 108 મારફતે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ગંભીર રીતે ઘવાયેલા નરેશનું મોત થયું હતું. માનકૂવા પોલીસે મિત્ર સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગુડથરમાં બનેલી આપઘાતના બનાવમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા નટુભાએ કોઈ અગમ્ય કારણે ઝેરી પ્રવાહી પીને જીવન પૂર્ણ કરી લીધું હતું. નલિયા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ આદરી હતી. બીજી તરફ કુકમા નજીક  અવધનગરમાં રહેનાર ફરિયાદી ઝરીનાબેન યુસુફ મામદ સુમરાની ધમડકા ગામે દરગાહ પર ચાદર ચડાવવાની માનતા હતી, જેથી ગઇકાલે ફરિયાદી તથા તેમના દીકરી જમીલા અને દોહિત્રી જેનાબાઇ રિક્ષામાં બેસી ધમડકા ખાતે માનતા પૂરી કરવા ગયા હતા. ત્યાંથી રિક્ષા નંબર જી.જે. 32- યુ-1293માં પરત આવી રહ્યા હતા અને ચાંદ્રાણી નજીક ત્રણ રસ્તા પાસે પહોંચ્યા હતા ત્યારે અંજાર બાજુથી આવતી બોલેરો કેમ્પર નંબર જી.જે. 12-બી. વાય. 2072એ રિક્ષાને હડફેટમાં લીધી હતી, જેમાં ફરિયાદી તથા જેનાબાઇ અને રિક્ષાચાલક સફીમામદ હારૂન હાલેપોત્રાને ઇજાઓ પહોંચી હતી. બાળકીને ગંભીર ઇજાઓ થતાં તેને વધુ સારવાર માટે ભુજ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. દુધઇ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang