• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

માંડવીમાં વરસાદી પાણી નિકાલ માટે સુચારુ વ્યવસ્થા ગોઠવાશે

માંડવી, તા. 20 : ગયા મહિને આ બંદરીય શહેરમાં પડેલા અતિભારે વરસાદના કારણે જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં આવનારા વર્ષોમાં આ પરિસ્થિતિ ઉતપન્ન ન થાય તે હેતુથી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ માંડવી નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ અધિકારી/કર્મચારીગણ સાથે  બેઠક બોલાવી પરામર્શ કર્યો હતો, જેમાં અનેક પ્રશ્નો અંગે જીણવટભરી ચર્ચા-વિચારણા કરી આ સમસ્યાના કાયમી નિરાકરણના ઉપાયો સૂચવી અમલ પર ભાર મૂક્યો હતો. રાયણ પાટિયા પાસે ટોપણસર તળાવને જોડતી વરસાદી કેનાલ માટે રાયણ પાટીયે પાણીની આવક માટે હાલના જે દ્વાર છે તેને નવેસરથી બનાવવા, ટોપણસર તળાવ ઓગની ગયા બાદ વરસાદી પાણી જયનગર, વિજયનગર, નિત્યાનંદનગર, માધવનગર, મેઘમંગલનગર, ભાટિયા મહાજનવાડી તેમજ સત્સંગ આશ્રમ સુધીના વિસ્તારમાં ભરાય નહીં તે માટે વોર્ડ નંબર- 1માં લક્ષ્મીનારાયણ નગર પાસે કેનાલ પર વરસાદી દરવાજો બનાવી આ પાણી શીતલાવાળી નદીમાં વાળવા વલ્લભ નગરથી ટોપણસર તળાવને જોડતી વરસાદી કેનાલનું સમારકામ કરવા, વોર્ડ નંબર- 1માં જયનગર / વિજયનગર પરના પુલિયાને મોટો બનાવવો તેમજ ટોપણસર તળાવથી રૂકમાવતી નદીને જોડતી વરસાદી કેનાલને પહોળી કરી દોઢ ફૂટ નીચે ઉતારવી, નલિયા રોડ પર વરસાદી કેનાલને નડતરરૂપ પી.જી.વી.સી.એલ.ની ડી.પી. દૂર કરવા અને કાચાં-પાકાં દબાણો પણ દૂર કરવા નિર્ણય લેવાયા હતા. આ ઉપરાંત માધવનગરમાં વરસાદી પાણીના નિકાલ માટે હાલમાં 12.5 એચ.પી.ની મોટર છે, જે કલાકના 3.70 લાખ લિટર પાણી કાઢવાની ક્ષમતા ધરાવે છે. જે ક્ષમતા વધારવા વધારાની 25 એચ.પી.ની નવી બે મોટર બેસાડી વોર્ડ નંબર - 6માં પં. દીનદયાળ નગરમાં વરસાદી પાણીના નિકાલ માટે 20 હોર્સપાવરની મોટર અને ગટરના નિકાલ માટે 6 હોર્સપાવરની મોટર ખરીદવા, માધવનગરમાં શિશુ મંદિર પાછળથી ડો. હેડગેવાર ચોક સુધી ખુલ્લી વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ બનાવવા,  ઠાકરાવાડીથી ગાયત્રી મંદિર પાછળ ખુલ્લી વરસાદી કેનાલ બનાવવી, વોર્ડ નંબર - 4માં પૂનમનગર, ભૂકંપનગરી અને વોર્ડ નંબર - 5માં મંગલેશ્વર તળાવ પર કુદરતી વરસાદી પાણીના વહેણ પર થયેલ કાચાં- પાકાં દબાણોને દૂર કરવા માટે સિટી સર્વે કચેરી, મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરી, પોલીસ સ્ટેશન સાથે રાખી દૂર કરવા. ઉપરોક્ત કામો આગામી 31-મે 2025 સુધી પૂર્ણ થાય તે માટે સૂચના અપાઈ હતી. માંડવી બીચ પર પ્રવાસીઓ આવતા હોવાથી શહેરમાં પુલથી નલિયા રોડ, ટાગોર રંગભવનથી તળાવ ગેટ અને બીચ સુધી વાહનો મોટી સંખ્યામાં હોવાથી ટ્રાફિક સમસ્યા ઊભી થઈ રહી છે. જે સમસ્યા દૂર કરવા બાયપાસ રોડનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માટે સંલગ્ન કચેરીના જવાબદારોને સૂચના અપાઈ હતી. માંડવી નગરપાલિકાનું સ્વભંડોળ આર્થિક રીતે સદ્ધર થાય તે માટે રહેણાકના હેતુ માટે પેન્ડિંગ પડેલ ફાઇલને ઇમ્પેક્ટ ફી ભરાવી મંજૂર કરવા. શહેરમાં જાહેર રાજમાર્ગો પર તેમજ ધાર્મિક સ્થળોની આજુબાજુમાં નોનવેજના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ માટે આકરાં પગલાં ભરવાં સૂચના અપાઈ હતી. નગરપાલિકા અધ્યક્ષ હરેશ વિંઝોડા, કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર, રાજેશ કાનાણી, પીયૂષ ગોહિલ, નિમેશ દવે, વિજય ચૌહાણ, મુખ્ય અધિકારી સંજય પટેલ, હેડક્લાર્ક ચેતન જોષી, મ્યુનિસિપલ ઇજનેર હરપાલ ગઢવી, જયેશ ભેદા, મનજી પરમાર, હરેશ ગઢવી, હિતેશ મુછડિયા બેઠકમાં હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang