• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

એક દેશ, એક ચૂંટણીનો વિચાર ઉમદા, અમલ પડકારભર્યો

મોદી સરકારે ત્રીજી મુદ્દતમાં 100 દિવસ પૂરા કર્યા કે તુરત જ કેબિનેટની બેઠકમાં અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણયોની સાથે એક દેશ, એક ચૂંટણીને મંજૂરી આપીને આ વિચારના અમલ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. હવે સંસદના શિયાળુ સત્રમાં આ વિધેયક મૂકવામાં આવશે, એવી ધારણા છે. ચૂંટણી લોકશાહીનો પ્રાણ છે. ભારત જેવા વિશાળ દેશમાં દર વર્ષે ક્યાંય ને ક્યાંય ચૂંટણીઓ યોજાતી રહેતી હોય છે. એ જોતાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવાનો વિચાર ખૂબ સારો છે. એ પછીના 100 દિવસમાં નગરપાલિકા અને પંચાયતોમાં ચૂંટણી કરાવવી અલબત્ત આ ઉમદા વિચારનું ક્રિયાન્વયન આસાન નથી, ચૂંટણી સાથે સંકળાયેલા સત્તાધારી પક્ષ, વિરોધ પક્ષ અને ચૂંટણીપંચ વચ્ચે આ મુદ્દે સંમતિ ન સર્જાય ત્યાં સુધી તેનો અમલ શકય નથી, આ મામલે શાસક પક્ષ અને વિપક્ષ ભિન્ન અભિપ્રાય ધરાવે છે. કેન્દ્ર સરકારે રામનાથ કોવિંદ સમિતિની ભલામણો પર મહોર લગાવતાં કહ્યું છે કે, પૂરા રાષ્ટ્રમાં એક સાથે ચૂંટણી કરાવવાથી નાણાકીય બોજ ઓછો થશે. વારંવાર ચૂંટણીઓની પ્રક્રિયા પાછળ આર્થિક સંસાધનો અને માનવશક્તિનો ગંજાવર વ્યય થાય છે. ચૂંટણીઓ વખતે સરકાર, રાજકીય પક્ષો, ઉમેદવારો પર મોટું ભારણ આવે છે. એ સૌકોઇ જાણે છે. બીજું આદર્શ આચારસંહિતા લાગુ થતાં વિકાસકામોને બ્રેક લાગી જાય છે. પરંતુ કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, સી.પી.આઇ., ડી.એમ.કે. સહિત 15  પક્ષ સમાન ચૂંટણીને અવ્યવહારુ લેખાવીને તેની પાછળ મોદી સરકારનું કોઇ મલીન ષડયંત્ર હોવાનું માને છે. દેશમાં એકસાથે ચૂંટણી યોજવા વિશે અગાઉ પણ ચર્ચા થઇ ચૂકી છે. 1952, 1957, 1962 અને 1967માં લોકસભા, વિધાનસભા ચૂંટણીઓ એક સાથે જ યોજાઇ હતી. એ જમાનામાં કેન્દ્ર અને મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસનું જ એકચક્રી શાસન હતું. એ જોતાં સમાન ચૂંટણીનો વિચાર અવ્યવહારુ હોવાની કોંગ્રેસની દલીલ સ્વીકારી શકાય તેમ નથી. તેમ છતાં સવાલો ઘણા અનુત્તર છે, રામનાથ કોવિંદ સમિતિની બધી જ ભલામણોનો અમલ કરવા જેવો છે, પરંતુ સાથે ચૂંટણી યોજવા માટે સ્ટાફની ઉપલબ્ધતા, આબોહવા, સુરક્ષા જેવા  મુદ્દા વિચાર માગી લે છે. વિપક્ષની એક એ ચિંતા પણ છે કે, સમયાંતરે યોજાતી ચૂંટણીઓથી રાજકીય વિવિધતા આવે છે. સાથે ચૂંટણીની વ્યવસ્થાથી આપણા સંઘીય માળખાંને નુકસાન થવાની ભીતિ રહે છે. બીજી વાત એ પણ છે કે, સાથે ચૂંટણી યોજાતાં રાષ્ટ્રીય મુદ્દાઓ હાવી થઇ જશે. ભારતનો એ અનુભવ રહ્યો છે કે, લોકસભા ચૂંટણીઓ રાષ્ટ્રીય મુદ્દાઓ પર લડાય છે, જ્યારે વિધાનસભા અને નાગરિક સંસ્થાઓની ચૂંટણીમાં માત્ર ને માત્ર સ્થાનિક પ્રશ્નો, મુદ્દાઓ પ્રભાવક બનતા હોય છે. રાષ્ટ્રીય મુદ્દાને લીધે રાષ્ટ્રીય પક્ષો વધુ ફાવી જાય. આ બધી બાબતો આગળ જતાં ચર્ચામાં આવશે, સંસદમાં વિધેયક મુકાશે એ પછી હજુ ઘણુ ઘમાસાણ જોવા મળશે. ભારત વિરાટ જનશક્તિ છે. 28 રાજ્ય અને છ કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી કરાવવી એ ચૂંટણીપંચ માટે પણ ખાવાના ખેલ નથી. આપણી વ્યવસ્થામાં એક-એક મત અને મતદારની કિંમત છે. ગુજરાત કે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આંગણીને વેઢે ગણાય એટલા મતદારો માટે પણ ચૂંટણીપંચ ભારે જહેમત લઇને વ્યવસ્થા ગોઠવતું હોય છે. આવા અનેક મુદ્દાઓ પર મહામંથન કરવું પડશે. દરમ્યાન કેન્દ્ર સરકારે વસ્તીગણતરી ઝડપથી કરવાનીય જાહેરાત કરી છે. 2026માં પરિશીલન થવાનું છે. એ પહેલાં વસ્તીગણતરી પૂરી થતાં પરિશીલનમાં મદદ મળશે. એ પછી લોકસભા-રાજ્યસભાની બેઠકોમાં વધારો થઇ શકે છે. અહીં એ નોંધનીય છે કે, કોંગ્રેસ સહિતના વિપક્ષ જાતિગત વસ્તીગણતરીનો આગ્રહ કરી રહ્યા છે. ભાજપ તેનો વિરોધી છે, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તાજેતરની કેરળ ખાતેની બેદિવસીય બેઠકમાં જાતિ જનગણનાની હિમાયત કરી છે. એ પછી મોદી સરકાર તે મુદ્દે નરમ વલણ લે છે કે કેમ એ જોવાનું રહે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang