• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

કાશ્મીરમાં લોકતંત્રનો ઉત્સવ

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી પછી પહેલી વખત યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહપૂર્ણ મતદાન કર્યું છે. બુધવારે પ્રથમ તબક્કામાં કુલ 90માંથી 24 બેઠક પર લગભગ 59 ટકા વોટિંગ થયું છે. જમ્મુ-કાશ્મીરની છેલ્લી સાત લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં થયેલું આ સૌથી વધુ મતદાન છે. અંતરિયાળ વિસ્તારો અને પોસ્ટલ બેલેટનો ડેટા મળ્યા પછી મતદાનનો આંકડો વધવાની શક્યતા છે. આ ચૂંટણીમાં ભારે સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઊતર્યા છે. આતંકવાદ અને અલગતાવાદના સમર્થક અને પાકિસ્તાની ભાષા બોલનારા કેટલાક હવે ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યા છે. ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન કેન્દ્રોની બહાર સવારથી જ મતદારોની લાગેલી કતારે બતાવી દીધું છે કે, હવે અહીં આતંકવાદીઓનાં ફરમાન અને ચૂંટણી બહિષ્કારનું રાજકારણ દફન થઈ ગયું છે. અલગતાવાદીઓના ગઢ રહેલા દક્ષિણ કાશ્મીરમાંનાં કુલગામ હોય કે પુલવામા, દરેક સ્થળે સ્થાનિક મતદાતાઓ માટે આ ચૂંટણી વીતેલાં પાંચ વર્ષમાં થયેલા વિકાસ વિશે પોતાની ભાવનાઓ વ્યક્ત કરવાનો અવસર પણ હતો. બેરોજગારી, રાશન, વિકાસ અને રાજ્યનો દરજ્જો જેવા મુદ્દા મતદારોને મતદાન કેન્દ્ર સુધી ખેંચી લાવવામાં સફળ રહ્યા. કોઈ પણ મતદાર પોતાની ભાવનાને છૂપાવીને રાખવાને બદલે દિલ ખોલીને વાત કરી રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક દશકામાં આ પહેલી વિધાનસભા ચૂંટણી લોકતંત્રના ઉત્સવ તરીકે લોકો મનાવી રહ્યા છે. આ દશકો જમ્મુ-કાશ્મીર માટે ખાસ મહત્ત્વ ધરાવે છે. કારણ કે, આ દરમ્યાન ફક્ત બંધારણની કલમ 370 અંતર્ગત તેણે વિશેષ દરજ્જો સમાપ્ત કરીને રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તિત થઈ ગયું. આ ચૂંટણી સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રહી, આનું શ્રેય સુરક્ષા દળો અને સ્થાનિક તંત્રને આપવું પડશે. આતંકવાદના સરદારોએ ચૂંટણી રોકવામાં કોઈ કસર નહોતી છોડી. ચૂંટણીની ઘોષણા પછી સીમા પારથી ઘૂસણખોરીના પ્રયાસો વધ્યા, આતંકવાદી હુમલાના પણ પ્રયાસ થયા, પરંતુ આતંકી તત્ત્વો આમ આદમીની લોકતાંત્રિક શ્રદ્ધા બદલવામાં સફળ નથી થઈ શક્યા. આ ચૂંટણી જમ્મુ-કાશ્મીરને આતંકવાદથી મુક્તિનું નિર્ણાયક બિન્દુ સાબિત થાય તો આશ્ચર્ય નહીં. જમ્મુ-કાશ્મીરમાં પ્રભાવ ધરાવતા કેટલાક પક્ષો લોકોને આશ્વાસન આપી રહ્યા છે કે, કલમ 370ની વાપસી થઈ શકે છે, તેઓ દિવાસ્વપ્ન બતાવી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા પાકિસ્તાનના નાપાક ઈરાદા પર પાણી ફેરવવા અને એ દુપ્રચારથી વંચિત કરનારી છે. ભારતના આ ભૂ-ભાગમાં લોકતંત્રની ઉપેક્ષા થઈ રહી છે. વાસ્તવમાં લોકતંત્રનું દમન તો પાકિસ્તાનના કબજાવાળાં કાશ્મીરમાં થઈ રહ્યું છે. પાકિસ્તાન તો અબદુલ્લાને બહુમતી મળે અને તેમની  સરકાર બને એમ ઈચ્છે છે અને જાહેરમાં કહે છે. સ્થાનિક પક્ષો-નેશનલ કોન્ફરન્સ અને પીડીપી બન્નેએ 370મી કલમ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો લાવવાની વાત-વચન આપ્યાં છે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં આવું વચન નથી છતાં `સૂર મેં સૂર મિલે'નો તાલ છે. અલગ રાજ્ય-ભારતનાં અન્ય રાજ્યો સમકક્ષ આપવાનું વચન વડાપ્રધાન મોદીએ સંસદમાં આપ્યું છે - તેથી વિશેષ રાજ્યનો વિકાસ અને નવા કાશ્મીર - બનશે. વિધાનસભાની આ ચૂંટણી પર દેશ અને દુનિયાની નજર છે. જમ્મુ-કાશ્મીરના લોકોને વિશ્વાસ છે કે, ઉજ્જવળ ભવિષ્ય ભારત સાથે લોકતંત્રમાં છે. જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીએ સમાજમાં લોકતંત્રની મહત્તા અને પ્રતિષ્ઠા વધારી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang