• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

બાંગલાદેશને ભીંસમાં લેતી ટીમ ઈન્ડિયા

ચેન્નાઇ, તા. 20 : પ્રથમ ટેસ્ટમાં બાંગલાદેશ સામે ભારતે મજબૂત શિકંજો કસ્યો છે. બીજા દિવસની રમતના અંતે ભારતે બીજા દાવમાં 81 રનમાં ત્રણ વિકેટ ગુમાવવા છતાં  308 રને આગળ થયું છે. આ પહેલાં આજે ભારતનો પ્રથમ દાવ 376 રનમાં પૂરો થયા બાદ જસપ્રીત બુમરાહની આગેવાનીમાં બોલરોના સહિયારા દેખાવથી બાંગલાદેશની ટીમ તેના પહેલા દાવમાં 47.1 ઓવરમાં 149 રનમાં ડૂલ થઇ ગઇ હતી. આથી ભારતને મહત્ત્વની 227 રનની સરસાઇ મળી હતી. બીજા દિવસની રમતમાં ચેપોકની જીવંત પીચ પર કુલ 17 વિકેટ પડી હતી. મેચના હજુ ત્રણ દિવસ બાકી છે અને ચોથી ઇનિંગ્સ બાંગલાદેશે રમવાની છે. તેના પર હાર ઝળૂંબી રહી છે. બાંગલાદેશ ટીમનો 149 રનમાં ધબડકો થયા બાદ ભારતે તેને ફોલોઅન ન કરી બીજો દાવ લીધો હતો. જો કે, કપ્તાન રોહિત શર્મા (પ) અને વિરાટ કોહલી (17)ની નિષ્ફળતા યથાવત્ રહી હતી. પહેલા દાવમાં અર્ધસદી કરનાર યશસ્વી 10 રને આઉટ થયો હતો. આજની રમતના અંતે શુભમન ગિલ 33 અને રિષભ પંત 12 રને દાવમાં રહ્યા હતા. ભારતના 3 વિકેટે 81 રન થયા હતા. આથી બાંગલાદેશથી ભારત 308 રન આગળ થયું છે. આ પહેલાં ભારતની પેસ બેટરી સામે બાંગલાદેશના બેટધરો ઘૂંટણીયે પડી ગયા હતા. પૂરી ટીમ 149 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બુમરાહે પ0 રનમાં 4 વિકેટ ઝડપી હતી. સિરાજ, આકાશદીપ અને રવીન્દ્રને 2-2 વિકેટ મળી હતી. બાંગલાદેશ તરફથી શકિબ અલ હસને 32, લિટન દાસે 22, મહેંદી હસન મિરાઝે 27 અને કપ્તાન નઝમુલ હસન શાંતોએ 20 રન કર્યા હતા. બાંગલાદેશ ટીમનો 149 રનમાં ધબડકો થતાં ભારતને 227 રનની જોરદાર સરસાઇ મળી હતી. ભારતે આજે તેનો પહેલો દાવ 6 વિકેટે 339 રનથી આગળ વધાર્યો હતો અને 376 રને ઓલઆઉટ થયું હતું. રવીન્દ્ર જાડેજા તેના ગઇકાલના 86 રનના સ્કોર પર જ આઉટ થયો હતો. જ્યારે આર. અશ્વિન 113 રને આઉટ થયો હતો. આકાશદીપે 17 અને બુમરાહે 7 રન કર્યા હતા. બાંગલાદેશ તરફથી હસન મહમૂદે 83 રનમાં પ વિકેટ લીધી હતી. તસકીન અહમદને 3 વિકેટ મળી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang