• રવિવાર, 16 જૂન, 2024

આરસીબીનું ખિતાબનું `વિરાટ' સપનું રોળાયું

અમદાવાદ તા. 22 : અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ?બેંગ્લોર વચ્ચે રમાયેલી એલિમિનેટર મેચમાં આરસીબીએ આપેલા 173ના લક્ષ્ય સામે આરઆરએ લડત આપી હતી અને જીત હાંસિલ કરી લઈને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે તે શુક્રવારે હૈદરાબાદ સામે બીજી ક્વોલિફાયર મેચ રમશે, જ્યારે આરસીબીનું ફાઈનલમાં પહોંચવાનું વિરાટ સપનું રોળાયું હતું. વિજય મેળવવાના ઈરાદે મેદાનમાં ઊતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમ વતી યશસ્વી જયસ્વાલે 30 દડામાં 8 ચોગ્ગા સાથે 45 રન કરી લડાયક બેટિંગ કરી હતી, જ્યારે રિયાન પરાગે 26 દડામાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 36 રન કરી સ્કોરને ગતિ આપી હતી, તો હેટમાયરે 14 દડામાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 26 રન કર્યા હતા. આરસીબીની ફિલ્ડિંગ નબળી રહી હતી, તો સિરાજે 4 ઓવરમાં 33 રન આપી 2 વિકેટ ખેરવી હતી, જ્યારે ફર્ગ્યુસન, શર્મા અને ગ્રીનને 1-1 વિકેટ મળી હતી. અગાઉ આઇપીએલ-2024 સિઝનની એલિમિનેટર મેચમાં કોઇ મોટી ઈનિંગ્સ અને કોઈ મોટી ભાગીદારી થવા છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો રાજસ્થાન રોયલ્સ સામે 20 ઓવરના અંતે 172 રનનો પડકારરૂપ સ્કોર થયો હતો. આરસીબી તરફથી રજત પાટીદારે સૌથી વધુ 34 રન અને ઓરેન્જ કેપ હોલ્ડર સ્ટાર બેટર વિરાટ કોહલીએ 33 રન કર્યાં હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી આવેશ ખાને 44 રનમાં 3 વિકેટ અને રવિચંદ્રન અશ્વિને 19 રનમાં 2 વિકેટ લીધી હતી. ટ્રેંટ બોલ્ટે આઇપીએલની 17મી સિઝનની સૌથી સારો ઇકોનોમી સ્પેલ ફેંકયો હતો. તેણે 4 ઓવરમાં ફકત 16 રન આપીને 1 વિકેટ લીધી હતી, જ્યારે રાજસ્થાન રોયલ્સ તરફથી કેરેબિયન ફિલ્ડર રોવમેને 4 કેચ લીધા હતા અને આઇપીએલ ઇતિહાસની એક ઇનિંગ્સમાં 4 કેચ લેનારો રિયાન પરાગ પછીનો બીજો ફિલ્ડર બન્યો હતો. રિયાને રેકોર્ડ 2022માં નોંધાવ્યો હતો. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ધીમી પિચ પર બોલિંગ પસંદ કરી હતી. આરસીબી કેપ્ટન ફાક ડૂ પ્લેસિસ 14 દડામાં 17 રન કરી બોલ્ટનો શિકાર બન્યો હતો. પોવેલે તેનો અદ્ભુત કેચ ઝડપ્યો હતો. પછી સેટ થઇ ગયેલો કોહલી ચહલની ફિરકીમાં ફસાઇને 33 રને આઉટ થયો હતો. કોહલીએ 24 દડાની ઇનિંગ્સમાં 3 ચોગ્ગા-1 છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે કેમરૂન ગ્રીન અને રજત પાટીદાર વચ્ચે ત્રીજી વિકેટમાં 31 દડામાં 41 રનની ભાગીદારી થઇ હતી. ગ્રીને 27 રન અને પાટીદારે 22 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી ઝડપી 34 રન કર્યાં હતા. લોમલોર 17 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી 32 રનની કેમિયો ઇનિંગ્સ રમી આઉટ થયો હતો. મેકસવેલની નિષ્ફળતા યથાવત રહી હતી અને પહેલા દડે ખરાબ ફટકો મારી કેચ આઉટ થયો હતો. કાર્તિક 11 રન કરી શકયો હતો. સ્વપ્નીલ 1 છગ્ગા સાથે 9 રને નોટઆઉટ રહ્યો હતો. આથી આરસીબીના એલિમિનેટર મેચમાં 8 વિકેટે 172 રન થયા હતા. રાજસ્થાનને જીત માટે 173 રનનું વિજય લક્ષ્ય મળ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang