• સોમવાર, 06 મે, 2024

સીએસકેને ટક્કર આપી લખનઉની `જાયન્ટ' જીત

ચેન્નાઈ, તા. 23 : આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે રમાયેલી 39મી મેચમાં સીએસકેએ આપેલા 211 રનના લક્ષ્યને આંબવા ઊતરેલી લખનઉની ટીમે સીએસકેને જોરદાર ટક્કર આપી હતી અને માર્કસ સ્ટોયનિસ (અણનમ)ની સિઝનની પહેલી શાનદાર સદીના બળે ટીમે 19.3 ઓવરમાં 213 રન બનાવી એક તબક્કે હારેલી ગણાતી બાજી જીતી લીધી હતી. લખનઉના માર્કસ સ્ટોયનિસે 63 દડામાં 13 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 124 રનની અણનમ બાજી રમી હતી, જ્યારે નિકોલસ પૂરને 15 દડામાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 34 રન કર્યા હતા. પહેલા દાવમાં એલએસજીની ફિલ્ડિંગ નબળી રહી હતી, તો બીજા દાવમાં સીએસકે બોલિંગના મોરચે ધોવાઈ હતી. મુસ્તફિઝુર રહેમાને 3.3 ઓવરમાં 51 રન આપી 1 વિકેટ લીધી હતી, જ્યારે શાર્દુલ ઠાકુરે 3 ઓવરમાં 42 રન દીધા હતા. જો કે, પથિરાનાએ 4 ઓવરમાં 35 રન આપી 2 વિકેટ તથા દીપક ચહરે 1 ખેરવી હતી. અગાઉ ચેન્નાઇ સુપર કિંગ્સના ગઢ ચેપોક સ્ટેડિયમ પર લખનઉ સુપર જાયન્ટસના કપ્તાન કેએલ રાહુલનો ટોસ જીતીને બોલિંગ કરવાનો બંધ બાજીનો જુગાર નિષ્ફળ રહ્યો હતો. કપ્તાન ઋતુરાજ ગાયકવાડની અણનમ સદી અને પિંચ હિટર શિવમ દૂબેની આતશી અર્ધસદીની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 4 વિકેટે 210 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. એમએસ ધોનીએ ઇનિંગ્સના આખરી દડે ચોગ્ગો ફટકારીને દર્શકોને ખુશ કરી દીધા હતા. આજની મેચમાં સીએસકે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પ્રારંભથી લખનઉના બોલરો સામે સ્ટ્રોકફૂલ અને ટેકનિકલે પરફેકટ બેટિંગ કર્યું હતું. તેની બેટિંગમાં આક્રમકતા સાથે એકયૂરસી જોવા મળી હતી. ઓપનિંગમાં આવી તે નોટઆઉટ રહ્યો હતો. ગાયકવાડે 60 દડામાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 108 રન કર્યાં હતા. જયારે બિગ હિટર શિવમ દૂબેએ ફરી એકવાર પાવર હિટિંગ કરીને માત્ર 27 દડામાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાથી 66 રન કર્યાં હતા. તે આખરી ઓવરમાં રનઆઉટ થયો હતો. ઋતુરાજ અને શિવમ વચ્ચે ચોથી વિકેટમાં 46 દડામાં 104 રનની વિસ્ફોટક ભાગીદારી થઇ હતી. દરમિયાન લખનઉના તમામ બોલર્સ ધોવાઇ ગયા હતા. સીએસકેનો પ્રારંભ નબળો રહ્યો હતો. રહાણે એક રને અને મિચેલ 11 રને આઉટ થયા હતા. જયારે રવીન્દ્ર જાડેજા 16 રન કરી આઉટ થયો હતો. લખનઉ તરફથી મેટ હેનરી, મોહસિન ખાન અને યશ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang