• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

પિંગલેશ્વરના દરિયાકાંઠે સુનામીની મોકડ્રીલ

ભુજ, તા. 4 : યુનેસ્કોના સુનામી રેડી રેકગ્નાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત અબડાસા તાલુકાના પિંગલેશ્વર (રાપરગઢ) દરિયાકાંઠાના વિસ્તારનો સુનામી સંભવિત વિસ્તારમાં સમાવેશ થતો હોઇ જાગૃતિ તથા આપત્તિ સમયે અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવાના હેતુથી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલનાં આયોજન માટે નોડલ ઓફિસર તરીકે પ્રાંત અધિકારી, અબડાસા, સહ નોડલ અધિકારી તરીકે મામલતદાર-અબડાસા અને ડીડીઓ અબડાસાની નિમણૂક કરવામાં આવી હતી. નોડેલ અધિકારી દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મોકડ્રીલનાં આયોજન માટે ટેબલ ટોપ એક્સરસાઇઝ  હાથ ધરી જરૂરી તૈયારી તેમજ મોકડ્રીલ દરમિયાન કરવાની રહેતી કામગીરીથી તમામને વાકેફ કરવામાં આવ્યા હતા. આ મોકડ્રીલ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્થાનિકે વહીવટી તંત્રને જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. મોકડ્રીલ સમયે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગાંધીનગર દ્વારા ઇન્ડિયા સુનામી અર્લી વોર્નિંગ સેન્ટર ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર સોશિયલ ઇન્ફોર્મેશન મારફતે મળતી માહિતી સાથેના બુલેટીન મોકલી અને સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ભુજ તરફથી મળેલા મેસેજ મુજબ તબક્કાવાર સ્થાનિકે એલર્ટ આપવામાં આવ્યું હતું. સંભવિત આપત્તિ અંગેની જાણ મંદિર અને મસ્જિદમાં લાગેલા લાઉડ સ્પીકર દ્વારા ચેતવણી આપીને કરવામાં આવી હતી, સાથે જ સગર્ભા મહિલા, આંગણવાડી અને પ્રાથમિક શાળાનાં બાળકો સહિત ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મોકડ્રીલ દરમિયાન આંગણવાડી કેન્દ્ર ખાતેથી 25 બાળકો, પ્રાથમિક  શાળાના 49 બાળકો, 401 ગ્રામજનો, 3 ગર્ભવતી મહિલાઓ, 888 પશુઓ, 3 માછીમારોને સેફ સેલ્ટર હોમ જૈન સમાજવાડી અને ગ્રામપંચાયત (રાપરગઢ) ખાતે ખસેડવામાં આવ્યા હતા.  મોકડ્રીલ બાદ ડી-બ્રાફિંગમાં ઉપસ્થિત નિરીક્ષકોએ મોકડ્રીલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો જણાવીને સંબંધિત વિભાગો સાથે વિગતવાર ચર્ચા કરી રિવ્યૂ લીધા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd