કેયૂર વૈદ્ય દ્વારા : ભુજ, તા. 3 : આજે આધુનિકતા દરેકમાં દેખાઈ
રહી છે. તહેવારો પારંપરિક ભલે રહ્યા હોય, ઉજવણીમાં આધુનિકતા છૂપી રહી શકતી નથી. દિવાળીના પર્વોને આંગળીના વેઢે ગણી શકાય
તેટલા દિવસ બાકી છે ત્યારે જેના નામથી આ તહેવારનું ઓજ છે તે `દીવા'
પણ હવે ઈલેક્ટ્રિક વાઘા સાથે નજરે પડે છે. વધુ આધુનિક લોકો તો ઓફિસેથી
ઘેર જવા નીકળતા હશે ત્યારે મોબાઈલથી `એલેક્સા'ને પોતાના
ઘેર ઈલેક્ટ્રિક દીવા `ઓન' કરવાનું કહી પણ દેતા હશે. - આધુનિકતા વચ્ચે પણ અડગ : જોકે આધુનિકતા વચ્ચે પણ સાચો પ્રકાશ તો
માટીની કાયાવાળા દીવામાં `ગળાડૂબ' તેલથી પ્રજ્વલિત સૂતરની વાટથી જ આવતો હોય છે
અને એટલે જ પ્રકાશના પર્વ દરમ્યાન કચ્છના કારીગરોએ હાથે બનાવેલા માટીના દીવડાની માંગ
દર વર્ષે ઊભી જ હોય છે. - વેચાણ માટે
દીવડા માર્ગો પર : દીપપર્વથી
થોડા દિવસ અગાઉથી જ ભુજ સહિત કચ્છના ગામેગામ હાથગાડી પર કે ડામર-ધૂળના રસ્તા પર પાતળા
પાથરણા પર ઢગલો થઈને પડેલા `કચ્છી' દીવાઓનો સમૂહ નજરે પડી રહ્યો છે. જોકે જેમ અન્ય
બાબતોમાં થયું છે તેમ દીવાના બજારમાં પણ ચીની સહિતના બારાતુ બાજીગરો આવી ચડતાં કચ્છી
કુંભાર સમુદાયના હાથે ઘડાઈને વેચાવા આવતા દીવાઓને સંઘર્ષના દિ' આવ્યા જરૂર છે પણ દીવાની પરખ ધરાવતા પરિવારો આજે પણ કચ્છની ચીકણી માટીમાંથી
બનતા દીવા ખરીદવાનો આગ્રહ રાખતા હોવાથી દીવાની બનાવટથી ઘર ચલાવવા મથતા પરિવારોની પણ
દીવાળી સચવાઈ રહી છે. - દિવ્યાંગોના
હાથેય રચાયા દીવડા : આમજનથી કદીયે પાછળ ન રહેતા દિવ્યાંગો પણ
દીપસર્જન દ્વારા પોતાના મનોરથોને માટીનો આકાર આપી રહ્યા છે. અનેક સંસ્થાઓ મનો દિવ્યાંગ
બાળકો દ્વારા બનાવાયેલા માટીના કોડિયાના સર્જનને પ્રોત્સાહન આપી રહી છે. - સંઘર્ષ છતાં દીવડાનો દમામ : મૂળ ખેડોઈના અને પેઢીઓથી ભુજમાં વસતા મામદ
કાસમ કુંભારે પણ કચ્છી દીવડાનો દમામ આજે સંઘર્ષો
વચ્ચે પણ અડીખમ રહ્યાનું કહીને ઉમેર્યું કે તેમની પેઢીઓએ ચીકણી માટીને ચાકડે ચડાવીને
આંગળીના કસબથી ઘડેલા દીવડા જ નહીં, નવરાત્રિ માટેના ગરબા, પાણીના માટલાંના વારસાને આગળ ધપાવવાનો
આનંદ છે. અનુભવી કસબીએ કહ્યું કે છેલ્લા થોડા વરસથી માટી મેળવવામાં મુશ્કેલી સર્જાઈ
છે. સરકાર જો નજર કરે અને મદદકર્તા બને તો અમારો વ્યવસાય પણ સ્થિર બની શકે તેમ છે.
- મશીન ચાકડા સામે વામણા : સાત પેઢીથી માટીકામ સાથે સંકળાયેલા અદ્રેમાન
અલીમામદ કુંભારે કહ્યું કે મશીન ક્યારે પણ ચાકડાનૃં સ્થાન લઈ શકશે નહીં કેમકે ચાકડાથી
નીપજતા આકારો જીવંત લાગે છે. તેમનો પરિવાર
જૂની પરંપરાને વળગીને ચાકડા પર જ માટીના દીવડા ઉપરાંત કચ્છની રાજાશાહી વખતની પરંપરાના
પ્રતીક એવાં માટીનાં રમકડાં બનાવીને રોજી રળે છે. - દીવડાને અપાયું આધુનિક રૂપ : તેમણે આધુનિકતાની સાથે ચાલવાના પ્રયાસમાં
દીવડાને પણ નવતર રૂપ આપી ફાનસના આકારમાં તેમજ રામના વનવાસના નિવાસના પ્રતીક એવા ઝૂંપડાના
આકારમાં દીવા બનાવી બજારમાં મુકયા છે જેને લોકચાહના મળી હોવાનું તેમણે કહ્યું હતું.
- વ્યવસાય ટકાવવાની મથામણ : કચ્છના મોટાભાગના વિસ્તારોમાં કુંભાર પરિવારો
માટીના દીવડાનું નિર્માણ કરીને પ્રકાશપર્વમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. જોકે માટીની
તંગી અને મોંઘારત જેવી સમસ્યાઓને કારણે અનેક પરિવાર આ વ્યવસાયથી વિમુખ પણ થઈ રહ્યા
હોવાનું કુંભાર મોભીઓ જણાવી રહ્યા છે.