ગાંધીધામ, તા. 4 : દીપોત્સવ પર્વના દિવસોમાં શહેરની
મુખ્ય બજારમાં ગોઠવાયેલી લારીઓના કારણે વારંવાર
ટ્રાફિકજામ થતો હોવાની ફરિયાદ વચ્ચે સ્થાનિક પોલીસતંત્ર એક્શન મોડમાં આવી હતી. પોલીસની લટાર બાદ સ્થિતિ યથાવત્ રહી હોવાની ફરિયાદ વેપારીઓએ કરી
હતી. આ દરમ્યાન નાના વેપારીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવાની વાત થઈ હતી, પરંતુ તે દિશામાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થિતિમાં
કોઈ સુધાર આવ્યો નથી. દિવાળીના મુખ્યબજારમાં
નાના વેપારીઓએ લારીઓ ગોઠવતાં વાહન પાર્કિંગની જગ્યામાં અવરોધ ઊભો થયો હતો. આ મુશ્કેલીજનક મુદ્દે તાજેતરમાં જ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓ અને પોલીસ પ્રશાસન વચ્ચે
બેઠક યોજાઈ હતી, દરમ્યાન
આ નાના વેપારીઓને અન્યત્ર ખસેડી ટ્રાફિક
સમસ્યા હળવી કરવાનો જે તે સમયે નિર્ણય લેવાયો હતો. નાયબ પોલીસવડા મુકેશ ચૌધરીની હાજરીમાં પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સ્થિતિ સમીક્ષા કરી હતી. દરમ્યાન રોડ
ઉપર ઊભેલી લારીઓને ફૂટપાથ ઉપર લઈ જવા
નાના વેપારીઓને તાકીદ કરાઈ હતી. અબલત્ત આ હિલચાલ બાદ ભાઈપ્રતાપ
સર્કલથી જવાહરચોક સુધીના વિસ્તારમાં
લારીઓ ફૂટપાથથી નીચે ઊભેલી જોવા મળી
હતી, જેના કારણે મોટા
વાહનો રસ્તા પર ઊભેલાં જણાયાં હતાં. તંત્ર મુખ્ય બજારમાં બનેલા પાર્કિંગ પોઈન્ટમાં વાહન ઊભા
રાખવવાની યોજના સંપૂર્ણ અમલ કરાવી શકયુ ન હતું. વાહન વ્યવહાર અને
ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસના વ્યાયામની ખાસ
કોઈ અસર પડી ન હોવાનું ચિત્ર ઉપસ્યું
હતું આગામી દિવસોમાં
મુખ્ય બજારમાં લોકોની અવરજવરમાં વધારો થશે, ત્યારે ટ્રાફિક સમસ્યાથી રાહત આપવા માટે
વહીવટીતંત્ર અને પોલીસતંત્ર દ્વારા હકારાત્મક ઉકેલની દિશામાં પ્રયાસ કરવામાં
આવે તે સમયની માંગ છે