મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 31 : વર્ષ 2026ની દિવાળીનો પવિત્ર તહેવાર
હવે આંગણે આવીને ઊભો છે. ચારેય બાજુ ઉત્સવનો માહોલ છે, પરંતુ આ સંકુલની પરંપરાગત હૃદયસમી બજારોની હાલત કંઈક અલગ જ કહાની કહી રહી છે. એક જમાનો હતો,
જ્યારે અહીંની મુખ્ય બજારોમાં દિવાળીના દિવસોમાં પગ મુકવાની જગ્યા ન
મળતી હાલ, તેવી હાજરી વેપારીઓને ખટકે છે. જેનું કારણ ઈન્ટરનેટ
અને સ્માર્ટફોનના જમાનામાં ઓનલાઈનનું ઘોડાપુર તથા મોટા મોલ્સ. - ગ્રાહકો માટે સુવિધા કે વેપારીઓ
માટે સંકટ ! : આજના ડિજિટલ યુગમાં ગ્રાહકો માટે ઓનલાઈન
શોપિંગ એક આદત બની ગઈ છે, જેના પોતાના
બે સિક્કા છે. ઓનલાઈનના જુદા-જુદા પ્લેટફોર્મ દ્વારા તહેવાર સેલમાં મળતું ધમાકેદાર
ડિસ્કાઉન્ટ, કેશબેક, ક્રેડિટકાર્ડની લાલચ
ગ્રાહકોને ઘર બેઠાં જ આકર્ષિત કરે છે તથા ટ્રાફિકજામ, બળબળતા
તાપ અને પાર્કિંગની કડાકૂટમાંથી મુક્તિ મેળવીને રાત્રે સૂતી વખતે કે સવારે ઊઠીને 24 કલાક ગમે ત્યારે ખરીદી કરવી
એ હવે આસાન બન્યું છે. અનંત પ્રકારની વેરાયટી, સરળ રિટર્ન પોલિસીએ ગ્રાહકોને આદિ
બનાવી દીધા છે. - ગેરકાયદે
કાંટાળી વાડ : સિક્કો ઊંધો
પણ વળે છે. ફોટામાં અપ્સરા જેવી દેખાતી વસ્તુ ઓર્ડર કર્યા પછી ડબ્બામાંથી નીકળે, ત્યારે ઢાંકણા વગરની પેટી જેવી સાબિત થાય છે. તહેવારોમાં ટ્રાફિકના રશના કારણે
સમયસર ડિલિવરી ન મળવી, હલ્કી ગુણવત્તાવાળી
કે ફેક વેબસાઈટ દ્વારા થતી ઠગાઈ અને સૌથી મોટું નુકસાન વસ્તુને અડીને સ્પર્શ કરીને
રૂબરૂ જોઈને ખરીદવાનો અસલ પારંપરિક સંતોષ ઓનલાઈનમાં ક્યાં ખોવાઈ જાય છે તેની ખબર જ
નથી પડતી. - ડિલિવરી બોયઝની
અગ્નિપરીક્ષા : પરસેવો અને પેમેન્ટ : ઓનલાઈન શોપિંગના આ રથને ખેંચનારા અસલી સારથી એટલે આપણા સ્થાનિક
યુવાનો-ડિલિવરી પાર્ટનર, તેમની પણ પોતાની
સંઘર્ષ ગાથા છે. દિવાળીના દિવસોમાં પાર્સલનો ભરાવો થતાં યુવાનો માટે મોસમી રોજગારી
અને વધારાની કમાણીના દરવાજા ખૂલે છે. ટાર્ગેટ પૂરા કરવા કંપનીઓ દ્વારા મળતાં ઈન્સેન્ટિવ
યુવાનોને ઉત્સાહિત રાખે છે, પરંતુ કમાણી પાછળનો પરસેવો લોહી બનીને
વહે છે. દિવાળી ટાણે રોજ સવારે ઊઠીને 100થી વધુ પાર્સલના ડુંગર ખડકવા,
શેરીઓ, ઈમારતોની સીડીઓ ચડવી, અસહ્ય તાપમાં બાઈક ભગાવવી અને સમયસર
ડિલિવરી ન પહોંચે, તો ગ્રાહકોનો ગુસ્સો સહન કરવાનો વારો આવે છે.
આ બધું ડિલિવરી બોય દરરોજ ભોગવે છે. તેમાંય કાયમી નોકરીની સુરક્ષા કે સ્વાસ્થ્ય વીમા
જેવી સુરક્ષાનો તો સદંતર અભાવ જ હોય છે. - સ્થાનિક વેપારીઓની સળગતી પીડા : ગાંધીધામ-આદિપુરના
રેડિમેઈડ કપડાં, ફૂટવેર, ઈલેક્ટ્રોનિક્સ અને ગીફ્ટ આર્ટિકલ્સના નાના મધ્યમ વેપારીઓ આજે અસ્તિત્વની લડાઈ
લડી રહ્યા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. આ અંગે ભારતનગર વેપારી એસો.ના મંત્રી સુનીલભાઈ
પારવાણીનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, લોકો હવે ઓનલાઈન
ખરીદીથી કંટાળ્યા છે. ઓનલાઈન થતી છેતરપિંડી એકની જગ્યાએ બીજી વસ્તુ આવવી તથા સરકારના
વોકલ ફોર લોકલના કારણે લોકો હવે સ્થાનિક બજારો
તફર વળ્યા છે. ગ્રાહકોને આકર્ષવા માટે અમે અમારી બજારમાં વેપારીઓએ ગોવાની ટૂર, બાઈક, વસ્તુઓ પર ભેટ આપવી
વગેરે સ્કીમો બહાર પાડી છે, જેના કારણે ઓનલાઈનની નહીંવત અસર હોવાનું
તેમણે કહ્યું હતું. આ તકનો લાભ લઈ અહીંના વેપારીઓએ ગ્રાહકોનો વિશ્વાસ જીતવા કમર કસી
હોવાનું તેમણે ઉમેર્યું હતું. - ગ્રાહકોની આવન જાવન પણ ખરીદી ઓછી : બજારોમાં દુકાનનું ભાડું, લાઈટ બિલ, કામદારોનો પગાર
કાઢવો મુશ્કેલ બન્યા છે. ગ્રાહકો આવીને વસ્તુઓ તપાસી ઓનલાઈન ભાવ સરખાવીને પાછા જતા
રહે છે તેમ છતાં દિવાળીના તેહવારોએ દીવડા,
અગરબત્તી, પૂજાપો, તાજી મીઠાઈ અને પરંપરાગત ઘર સજાવટમાં હજુ પણ સ્થાનિક બજારનો દબદબો અકબંધ હોવાનું
જાણવા મળ્યું હતું. ગ્રાહકો માટે સુવિધા હોવી એ સ્વાભાવિક છે, પરતું તેની સામે આપણા જ શહેરના નાના વેપારીઓની રોજીરોટી અને તહેવારોનો સાચો
પારંપરિક માહોલ પણ એટલો જ કિંમતી છે. સ્થાનિક વેપારીઓએ પણ ગ્રાહકોને આકર્ષવા માટે હોમ
ડિલિવરી, વ્યાજબી ભાવ, વસ્તુ વેચાણ પછીની
સેવા, ડિજિટલ પેમેન્ટ વગેરે પાસાં જોવા પડશે.