• શનિવાર, 04 જુલાઈ, 2026

ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનાં માર્ગદર્શનમાં કૃષિમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, ઊર્જામંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરિયા દ્વારા ખેડૂતો સાથે ચર્ચા, વિચાર-વિમર્શ અને પરામર્શ કરીને તેમજ ખેડૂતોનાં આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્ત્વપૂર્ણ અને ઉદાર નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરોમાંથી પસાર થતી વીજલાઇન, વીજટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતાં વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજલાઇન માટે અત્યાર સુધી ખેતરમાં વીજપોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા દર (200%) લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. તે પરત્વે વિવિધ ખેડૂત સંગઠનો તરફથી મળતી રજૂઆતો અન્વયે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં, પરંતુ જમીનના પ્રવર્તમાન બજારભાવ (Market Rate)ના બમણા ભાવ ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં નખાતા વીજટાવરના બેઝ (પાયા) વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર અપાતું હતું. હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે, 765 કે.વી. લાઇનમાં અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું, જેમાં હવેથી દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરી તે મુજબ વધારીને 729 ચોરસ મીટર લેખે ચૂકવવામાં આવશે. અગાઉ જમીનમાલિકોને વળતર અંગે, ફાઉન્ડેશન તબક્કે 40 %, ઇરેક્શન વખતે 40 % તથા વાયર લગાડ્યા બાદ 20 % રકમ મુજબની ચૂકવણી થતી હતી, તેના બદલે જમીનમાલિકોને એકસાથે અને અગાઉથી વળતર ચૂકવવાનું નિર્ધારિત થયેલ છે.  ખેડૂતોની જમીનની વાસ્તવિક બજારાકિંમત તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એમ.આર.સી. (Market Rate Committee)ની રચના કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, આ સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોના ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યૂઅરને પણ સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિમાં કલેક્ટરશ્રી, જમીનમાલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ પણ હશે.  બીજી તરફ, વીજલાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે એમ.આર.સી દ્વારા નિર્ધારિત થયેલ બજારાકિંમતના આધારે વિસ્તાર મુજબ વળતર અપાશે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજારાકિંમતના 30%, નગરપાલિકા વિસ્તારમાં બજારાકિંમતના 45% અને મહાનગરપાલિકા વિસ્તારમાં બજારાકિંમતના 60% મુજબ વળતર આપવામાં આવશે.  રાજ્ય સરકારે આ નિર્ણયમાં ઉદારતા દાખવતાં સ્પષ્ટ કર્યું છે કે, જે ખેડૂતોએ અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય, પરંતુ વીજલાઇનનું કામ હજી પ્રગતિમાં (ચાલુ) હોય, તેવા તમામ ખેડૂતોને આ નીતિનો લાભ મળવાપાત્ર રહેશે.  

Panchang

dd