રમેશ ગઢવી દ્વારા : કાઠડા (તા.માંડવી), તા. 3 : ચાલુ વર્ષે વરસાદ ખેંચાઈ રહ્યો છે. આદ્રા નક્ષત્રના હવે માત્ર
ચાર દિવસ રહ્યા છે. હજી સુધી નજીકમાં કોઈ વરસાદના સમાચાર નથી. ત્યારે પશુપાલકોનો એક
જ પોકાર છે. ઘેટા-બકરા, ઊંટ સાથે માલધારીઓ
ગામડા ખુંદી રહ્યા છે અને જ્યાં ચારો અને પાણી મળી જાય ત્યાં ધામા નાખી અને રાતવાસો
પણ ત્યાં જ કરે છે. પરંતુ વધુ દિવસ ચાલે તેટલો ચારો ક્યાંય નથી તેવું માલધારીઓ કહી
રહ્યા છે. તો પ્રાઈવેટ સંસ્થાઓ અને રોજ ગૌચારો નીરણ કરતા ગ્રામ વિસ્તારના ગૌ-પ્રેમીઓ
પણ કહી રહ્યા છે કે રૂપિયા આપતા પણ ચારો મળવામાં મુશ્કેલી થઈ રહી છે. હાલમાં ચારાના
ભાવ આસમાને પહોંચ્યા છે. - 600થી વધુ ગૌધન ધરાવતું કોજાચોરા ગામે એક જ દિવસ ચાલે તેટલો ચારો : રોજના 100 મણ જેટલું ગાયો માટે નીરણ અપાતા
કોજાચોરા ગામના સરપંચ જગદીશ ગાભા સંઘારે જણાવ્યું હતું કે, સુકા ચારાની ગાડી મંગાવી હતી તે હાલમાં નીરણ
કરાય છે અને તે પણ એક દિવસ ચાલશે તેટલો જ ચારો છે. અનેક લોકોને ફોન પણ કર્યા છે. ચારા માટે પણ રૂપિયા આપતા ચારો આપવા તૈયાર નથી. - કાઠડામાં માલધારીઓના ધામા : આ ગામના પશ્ચિમી સીમાડામાં ઢુયા ઉપર ગાંડા
બાવળનો ઘેરાવો વધારે હોતાં બાવળની છડી ઘેટા-બકરા માટે આશરો મળી રહે છે અને બાવળની છડી
(ફળી) ખાધા પછી પાણી પી લે એમ કરીને પશુધનના ટક (દિવસ) કાઢીએ છીએ એવું કહેતાં ઊનડોઠથી
આવેલા 900 ઘેટા-બકરાં, બાડાથી 600 ઘેટા-બકરા અને બાયડથી 200 ઘેટા-બકરાંના ધણ સાથે 10થી 12 માલધારીઓએ અહીં પડાવ નાખ્યો છે અને કહે છે કે હવે કુદરત મહેર
કરે તો સારું નહીં તો દિવસો કાઢવા મુશ્કેલ થઈ રહ્યા છે. જ્યાં બાવળની ફળી અને પાણી
મળી રહે ત્યાં બેસી જઈએ છીએ. 80 જેટલાં ઊંટો
સાથે નખત્રાણા તાલુકાના એક ગામના ઊંટધારકે પોતાની આપવીતી વર્ણવતાં કચ્છમિત્રને કહ્યું
હતું કે, દોઢેક મહિનાથી ગામડે ગામ ફરતાં ફરતાં અહિયાં
પહોંચ્યા છીએ. ક્યાંય રસ્તાઓ ઉપર લીમડો, બાવળની ફળીઓ વગેરે મળી
જાય પણ મોટા જીવના પેટ ભરવા હવે અઘરા થઈ ગયા છે. - ચારાના ભાવ આસમાને : લીલી જુવાર મણના 300, પરાર 350 થી 400, કપાસના ઠાલિયા 500, સૂકી બાજરીનો વતરો 400 જેવા ભાવ આસમાને પહોંચ્યા છે
ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં હાલ નાળિયેર અને ખારેકના ફળા (પાંદડા)ની માંગ વધી છે. કોઈ
વાડીમાં કચરા કાઢતી વખતે ખારેકના કે નાળિયેરનાં પાંદડાં કાપે તો તરત માલધારી લઈ જાય
છે અને તેનો વતરો કરી અને પશુઓનું પેટ ભરાવે એ પરિસ્થિતિ વચ્ચે કાઠડાના એક માલધારીએ
કહ્યું હતું કે, વરસાદ ખેંચાઈ રહ્યો છે
ત્યારે સરકાર દ્વારા ફળ, ભુસા વગેરેના ભાવ ન વધે તે ઉપર ધ્યાન
અપાય તો પશુપાલકોને રાહત રહે. - ચારો ઘટતાં દૂધ પણ ઘટયા : કચ્છમાં ડેરી
ઉદ્યોગ વિકસતા પશુધન ખૂબ વધ્યું છે પણ હાલ ચારાની અછતના લીધે દૂધમાં પણ મોટો ઘટાડો
થઈ રહ્યો હોવાનું કાઠડાના દૂધ વ્યવસાય સાથે સંકળાયેલા ગોવિંદભાઈ ગઢવીએ જણાવ્યું હતું
અને કહ્યું હતું કે પેટ્રોલ વગર ગાડી ન હાલે તેમ પશુઓને પૂરતો ચારો ન મળે તો દૂઘ ઘટી
જ જાય. જેથી વરસાદની અસર પશુઓ ઉપર પણ દેખાઈ રહી છે.