ભુજ, તા. 3 : અહીં 16મી જુલાઈ-આષાઢી બીજ નિમિત્તે હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સમન્વય સાથે `સાંસદ કચ્છ કાર્નિવલ-2026'નું આયોજન કરવામાં આવ્યું છે.
આષાઢી બીજ, આ દિવસ કચ્છમાં નવાં વર્ષ
તરીકે ઊજવવામાં આવે છે. કચ્છીઓમાં આષાઢી બીજનું અનેરું મહત્ત્વ છે. વરસાદ પણ મહામુલો
ગણાય છે. અહીં એક માન્યતા એવી છે કે, જો આ દિવસે મેઘરાજાની પધરામણી
થાય તો શુકનવંતું ગણાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર તેમજ કચ્છ લોકસભાના
સાંસદ વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ આગામી આષાઢી બીજના અવસરે અને તેની ઉજવણી નિમિત્તે
સતત બીજાં વર્ષે ગુરુવારે સાંજે પાંચ વાગ્યે `સાંસદ કચ્છ કાર્નિવલ-2026'નું આયોજન કરવામાં આવ્યું છે.
સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું કે, `સાંસદ કચ્છ કાર્નિવલ'માં ગત વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છની કળા,
સંસ્કૃતિ અને પરંપરાનો અદ્ભુત સમન્વય જોવા મળશે. ઉપરાંત કાર્નિવલને વધુ
આકર્ષક બનાવવા ખેંગારબાગથી હોટલ લેકવ્યૂ સુધીના માર્ગને રંગબેરંગી લાઈટો અને સેલ્ફી
પોઇન્ટથી શણગાર કરવામાં આવશે તેમજ વિવિધ સ્થળોએ આકર્ષક સેલ્ફી પોઈન્ટ ઊભા કરવામાં આવશે.
`સાંસદ કચ્છ કાર્નિવલ'માં ભાગ લેવા તા. 8/7 સુધી રજિસ્ટ્રેશન કરવા વિવિધ
શાળા-કોલેજ, સંસ્થાઓ તથા મંડળોને અપીલ
કરાય છે. ભાગ લેનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે,
જેમાં પ્રથમ ક્રમના વિજેતાને રૂા. 51,000, બીજા ક્રમને રૂા. 41,000, ત્રીજા ક્રમને રૂા. 31,000, ચોથા ક્રમને રૂા. 21,000, પાંચમા ક્રમને રૂા. 11,000 અને કાર્નિવલમાં ભાગ લેનાર
દરેક કૃતિને પ્રોત્સાહન રૂપે રૂા. 5000 એનાયત કરવામાં આવશે. QR સ્કેન કરી રજિસ્ટ્રેશન
કરી શકાશે તેવું જણાવાયું હતું. કાર્નિવલમાં ભાગ લેનાર પ્રત્યેક કૃતિમાં ઓછામાં ઓછા
25 કલાકાર જરૂરી છે તથા પ્રદર્શનની
શરૂઆતમાં પોતાની સંસ્થા કે મંડળનું બેનર આગળ રાખવું ફરજિયાત છે તથા સ્પર્ધા અંગે નિર્ણાયકોનો
નિર્ણય અંતિમ ગણવામાં આવશે. આ પ્રસંગે વધુ માહિતી માટે રિતેન ગોર મો. 98252 27905, વિશાલ ઠક્કર મો. 99791 48999, પંકજ ઝાલા મો. 98242 22832 અને પ્રતીક શાહ મો. 96241 28989 ઉપર સંપર્ક કરી વધુ માહિતી
મેળવી શકાશે તેવું સાંસદે જણાવ્યું હતું.