• સોમવાર, 15 જૂન, 2026

સાડા સાત કરોડના ખર્ચે બનનાર ફાયર સ્ટેશનનું કામ મંથર ગતિએ

ગાંધીધામ, તા. 14 : દીનદયાલ પોર્ટની પ્રશાસનિક કચેરીના પાછળના ભાગે રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડની  બાજુમાં ગાંધીધામ મહાનગરપાલિકાના 7.50 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક ફાયર સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ કામ સાવ ધીમી ગતિએ થાય છે. કામની ગુણવત્તા ઉપર ધ્યાન આપવું જરૂરી છે, પણ દેખરેખનો સદંતર અભાવ વર્તાઈ રહ્યો છે. આધુનિક ફાયર સ્ટેશનમાં લગભગ 7.26 કરોડના ખર્ચે ફાયરનાં સાધનો આવવાનાં છે, તે પૈકી ડિવોટરિંગ પંપ તથા કોન્વે વ્હીકલ અને રેસ્ક્યૂ બોટ સહિતનાં સાધનો આવ્યાં છે. આગામી ત્રણ મહિના દરમિયાન મહત્ત્વના બે વોટર બ્રાઉઝર, એક ઇમર્જન્સી રેસ્ક્યૂ વ્હીકલ અને એક ફોર્મ ટેન્ડર આવશે, ત્યાર પછી જરૂરિયાત મુજબનાં સાધનો આ ફાયર સ્ટેશનમાં વસાવવામાં આવશે. જો અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ન થયું હોત તો આ મહત્ત્વનાં સાધનો અત્યાર સુધીમાં ગાંધીધામ પહોંચી ગયા હોત, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ બાધિત થયો હોવાથી આ ફાયરનાં સાધનો સમયસર આવ્યાં નથી, પરંતુ આગામી ત્રણ મહિના દરમિયાન આ મહત્ત્વનાં ફાયરનાં સાધનો આવે તેવી સંભાવના છે. કંડલા ઉપરાંત ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તાર અને આસપાસમાં વ્યાપક ઉદ્યોગ - ધંધાઓ છે. આગ સહિતના આપાતકાલના બનાવોમાં સુદૃઢ અગ્નિશમનની વ્યવસ્થા હોવી અત્યંત આવશ્યક છે. ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરમાં કરોડો રૂપિયાનાં સાધનો છે, પરંતુ આ સાધનો ઓપરેટ કરવા માટેના કર્મચારીઓ નથી. લાંબા સમય પછી તેમાં ભરતી થઈ, પરંતુ કોઈ કર્મચારિઓ આવ્યા નહીં. પરિણામે ગાંધીધામ મહાનગરપાલિકાના એક ફાયર ફાઈટરથી આગ સહિતના બનાવોમાં કામ ચલાવાઇ રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા આધુનિક ફાયર સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ કામ ધીમી ગતિએ થાય છે. ફાયરનાં સાધનો આવી રહ્યા છે, પણ સ્ટેશન હજુ બન્યું નથી, એટલે આ સાધનોની દેખરેખ અને તેમને રાખવા માટેની જગ્યાનો પ્રશ્ન ઊભો થાય તેમ છે. સાડા સાત કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થઈ રહેલાં ફાયર સ્ટેશનની કામગીરી ઉપર દેખરેખનો અભાવ છે. 15  આસપાસ એન્જિનીયરો આ ઉપરાંતનો સ્ટાફ હોવા છતાં કામગીરી ઉપર નજર રાખવામાં ન આવતાં અનેક સવાલો ઊઠી રહ્યા છે. તત્કાલીન કમિશનર મનીષ ગુરુવાણી તમામ બાબતો ઉપર ધ્યાન આપતા હતા, પરંતુ હાલના સમયે ધીરે ધીરે વહીવટ ખાડે જઈ રહ્યો છે તેવા આક્ષેપો શહેરના પ્રબુદ્ધ નાગરિકો કરી રહ્યા છે. - ડામર રોડનો મલબો ફાયર સ્ટેશનમાં પહોંચ્યો : શહેરમાં માર્ગોની કામગીરી માટે ખોદકામ થઈ રહ્યું છે, તેનો નીકળતો મલબો ડીસી-પાંચની પાછળના ભાગે ડમ્પિંગ સાઈડ અને ઢોરવાડામાં જે પાંચ ફૂટનો ખાડો છે ત્યાં પહોંચાડાતો તો હતો, પરંતુ ત્યાં ખાડો યથાવત્ છે.  ચોમાસાંમાં ઢોર રાખી શકાય તેવી સ્થિતિ નથી તે વચ્ચે મલબો ફાયર સ્ટેશને પહોંચ્યો છે. મ્યુનિસિપલ કમિશનર આ તમામ બાબતો ઉપર ધ્યાન આપે તેવું જાગૃત નાગરિકો કહી રહ્યા છે. - મહાપાલિકાના ફાયર કંટ્રોલરૂમનો નંબર જાહેર કરાયો : ગાંધીધામ મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં ફાયરના કોલ માટેનો કોઈ નંબર હતો નહીં, કોઈ બનાવ બને તો નાગરિકો સીધા કર્મચારીઓને ફોન કરતા હતા, પરંતુ હવે વહીવટી તંત્ર દ્વારા ફાયર કંટ્રોલરૂમના નંબર જાહેર કરવામાં આવ્યા છે, આગ કે ફાયર સંબંધિત કોઈ વ્યવસ્થા માટે નાગરિકો મો. 99789 20101 નંબર ઉપર તુરંત સંપર્ક કરી શકશે. વહીવટી તંત્ર દ્વારા પણ આપાતકાલમાં આ નંબર ઉપર સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. 

Panchang

dd