• સોમવાર, 15 જૂન, 2026

ભારાસરમાં પત્નીની હત્યાના કેસમાં પતિ નિર્દોષ

ભુજ, તા. 14 : વર્ષ 2017માં ભારાસરમાં આરોપી મજીદ હનિફ સમાએ પોતાની પત્ની અન્ય પુરુષ સાથે ફોન પર વાતચીત કરતી હોવાના શક-વહેમ રાખી પત્નીને દોરડાં વડે ગળે ટૂંપો દઇ હત્યા નીપજાવ્યાના કેસમાં આરોપી મજીદનો નિર્દોષ છૂટકારો થયો છે. આ કેસમાં જે-તે સમયે માનકૂવા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. સેશન્સ અદાલત ભુજ દ્વારા મૌખિક તથા દસ્તાવેજી પુરાવા તપાસી આરોપીને ગુનામાં સાંકળતો પૂરતો પુરાવો ન હોઇ આરોપી મજીદને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો હતો. - ધ્રોબાણાની જમીનના દાવાનો 13 વર્ષ બાદ વાદી તરફે ચુકાદો : ભુજ તાલુકાનાં ખાવડા બાજુના ધ્રોબાણાની રે.સ. નં. 441/1 વાળી ખેતી જમીન વાદી સ્વ. મજના મામદ સમાએ રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી 1996ના પ્રતિવાદી હનીફાબાઇ સિધિક સમા તથા રજબ સિધિક સમા પાસેથી અઘાટ હક્કે માલિકીમાં અવેજ કિંમત ચૂકવી ખરીદી હતી. આ દસ્તાવેજ અસ્તિત્વમાં હોવા છતાં મૂળ માલિકોએ છળકપટ અને દગો કરી તે મિલકત મિલીભગતથી શકીનાબાઇએ 2012માં નવો વેચાણ દસ્તાવેજ ઊભો કરી જમીન પચાવી પાડવા ષડયંત્ર કરતાં મિલકતના હક્ક-હિત માટે દાવાના વાદી સ્વ. મજના સમાએ દાદ મેળવવા દાવો દાખલ કર્યો હતો, જેમાં ચોથા અધિક સિનિયર સિવિલ જજ ભુજની અદાલતે દાવો મંજૂર કર્યો છે. બંને કેસમાં આરોપી વતી તેમજ વાદીના એડવોકેટ તરીકે એમ. એચ. રાઠોડ, ફરહાનખાન સિંધી, હનીફભાઇ જત, અરમાન રાઠોડ, હાસમશા શેખ, ધીરજ જાટિયા, આસીફ કુંભાર, શેરાબેન રાઠોડ, અમતુલાબેન કુરેશી, નીલેશ મહેશ્વરી, ચિત્રાબેન મોદી હાજર રહ્યા હતા. - ગેરકાયદે વેચાણની નોંધ રદ : ભુજ સિટી સર્વે વોર્ડ નં. 4, સિટી સર્વે નં. 223/82 વાળી મિલકત રસીદા મહમદહુશેન ચાકી દ્વારા સમીર હૈદરઅલી ધમાણીના પાવરદાર ભાનુશાલી શંકરલાલ નારાણજી મારફતે સને 2012માં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરવામાં આવી હતી, જેની નોંધ સિટી સર્વે કચેરીએ ખરીદનારે પોતાનાં નામે દાખલ કરાવી ન હતી. જેનો ગેરલાભ લઇ બે વર્ષ બાદ જૂના માલિકના જૂના વપરાઇ ગયેલા પાવરનામાના આધારે ફરી બીજી વખત નારાયણ તુલસીદાસ ભાનુશાલીનાં નામે અઘાટ વેચાણનો દસ્તાવેજ મિલીભગતથી ખોટી રીતે બનાવી તેની નોંધ સિટી સર્વે કચેરીએ પ્રમાણિત કરાવી લીધી હતી. આથી એપેલેન્ટે નવી વેચાણ નોંધ રદ કરવા નાયબ કલેક્ટર સમક્ષ અપીલ રજૂ કરતાં બીજી વખતનાં વેચાણની નોંધ રદ કરતો હુકમ આપ્યો હતો. એપેલેન્ટ તરફે એડવોકેટ મહેન્દ્ર દયારામ ઠક્કર, ચિંતલ મહેન્દ્રભાઇ ઠક્કર, કોમલ ચંદ્રેશભાઇ ઠક્કર હાજર રહ્યા હતા. - પોકસો કેસમાં જામીન મંજૂર : નખત્રાણા પોલીસ સ્ટેશનમાં પાંચ માસ અગાઉ સગીર વયની દીકરીને લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી બળાત્કાર કર્યા સંબંધે તેમના વાલી દ્વારા ફરિયાદ કરાવાતાં આરોપી શ્યામ સુરેશભાઇ જોગી (રહે. દેવપર-યક્ષ, તા. નખત્રાણા)ની પાંચ મહિના અગાઉ ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા બાદ આરોપીએ નિયમિત જામીન અરજી મૂકતાં ભુજના સ્પે. પોક્સો જજ જે. એ. ઠક્કર દ્વારા આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યા. આ કેસમાં આરોપીના વકીલ તરીકે એ. આર. મલેક, પ્રફુલ્લકુમાર બી. સિજુ, નવીન આર. સિજુ, કેશવ જે. ભદ્રુ હાજર રહ્યા હતા. 

Panchang

dd