ગાંધીધામ, તા. 14 : ઓછા સમયમાં વધુ રૂપિયા મેળવવાની
લાલચમાં રાજકોટના યુવાને માતબર રકમ ગુમાવી
હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. અંજારની
ત્રિપુટીએ યુવાનને લાલચ આપીને સપડાવ્યો હતો. પોલીસના સત્તાવાર સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ મોરબીમાં ખાનગી નોકરી કરતા યુવાન પાર્થ
જયસુખભાઈ કારેલિયાએ આરોપી પ્રતીક પટેલ અને સ્વીફટ કારમાં આવેલા બે અજાણ્યા શખ્સ સામે છેતરપિંડી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. ગત તા. 23 મેના આ બનાવને અંજામ અપાયો હતો. ફેસબુકમાં જાહેરાત જોઈ તે દરમ્યાન આરોપી પ્રતીકનો ફોન ઉપર સંપર્ક કરતાં તેણે દોઢ લાખના
છ લાખ મળશે, તેવી ઝાળ રચી હતી અને ડેમો
જોવો હોય તો આવો. ફરિયાદી ગત તા. 17 મેના અંજાર આવ્યા હતા. ફરિયાદીને સ્વીફટ કારમાં લઈ ગયા હતા અને
બેગમાં રૂા. 500ના દરની નોટો બતાવી ચેક કરવા
કહ્યું હતું. બાદમાં ગત
તા. 23ના ફરિયાદી તેના મિત્ર સાથે બપોરે અંજાર
પહોંચ્યા હતા અને સતાપર ફાટક પાસે આવવા માટે કહ્યું હતું, ત્યાં પહોંચીને આરોપને ફોન કરતાં સ્વીફટ કારમાં
માણસો આવશે તેવું કહ્યું હતું અને માણસો પાસેથી
છ લાખની બેગ મેળવી લેજો તેવું કહ્યું હતું.
નંબર વગરની સ્વીફટ કારમાં આવેલા બે શખ્સે 1.50 લાખવાળું કાળા કલરનું પાકિટ
મેળવ્યું હતું. તમે થોડા આગળ ચાલો છ લાખ ભરેલી બેગ આપીશ તેમ કહ્યું હતું. ફરિયાદી થોડો આગળ ચાલતાંની સાથે જ બંને શખ્સ
દોઢ લાખ લઈને નાસી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે,
અગાઉ પણ આ જ રીતે અંજારના શખ્સોએ અન્ય શહેરના વેપારી સાથે છેતરપિંડી કરી હોવાનો બનાવ
પોલીસ ચોપડે નોંધાયો છે.