એજબેસ્ટન તા.14 : સ્મૃતિ મંધાનાની આક્રમક અર્ધસદી (68) અને બાદમાં સ્પિનર દીપ્તિ શર્માની
પ વિકેટની મદદથી મહિલા ટી-20 વિશ્વ કપમાં
કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે ભારતનો 64 રને શક્તિશાળી વિજય થયો હતો. ભારતના 6 વિકેટે 170 રનના જવાબમાં પાક. મહિલા ટીમ 17 ઓવરમાં 106 રને ઘૂંટણિયે પડી ગઇ હતી. ટી-20 વિશ્વકપમાં પાકિસ્તાન સામે
ભારતની આ સાતમી જીત છે. પ્લેયર ઓફ ધ મેચ દીપ્તિ શર્માએ 4 ઓવરમાં ફકત 10 રનમાં પ વિકેટ ઝડપી હતી. આ
સિવાય યુવા સ્પિનર શ્રી ચરણીને 3 વિકેટ મળી
હતી. 171 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા
પાક. ટીમ તરફથી એકમાત્ર મુનીબા અલીએ 41 રન કર્યાં હતા. બાકીની પાક. બેટર ભારતીય મહિલા ટીમની સ્પિન બોલિંગ
સામે નતમસ્તક થઇ ગઇ હતી અને આખરી 9 વિકેટ પ3 રનમાં ગુમાવી
હતી. અગાઉ ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌરે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી અને 6 વિકેટે 170 રન કર્યાં હતા. પાવર પ્લેમાં ભારતની શરૂઆત નબળી રહી હતી. શેફાલી
શર્મા 6 રને અને જેમિમાહ રોડ્રિગ્સ 1 રને સસ્તામાં આઉટ થઇ હતી. જો કે સ્મૃતિ
મંધાનાએ એક છેડો સાચવી રાખ્યો હતો. સ્મૃતિને કપ્તાન હરમનપ્રિત કૌરનો સુંદર સાથ મળ્યો
હતો. આ બન્નેએ પાકિસ્તાની બોલર્સ સામે કાઉન્ટર એટેક કરી ભારતની રન ગતિ વધારી હતી. આ
બન્ને વચ્ચે ત્રીજી વિકેટમાં 64 દડામાં 91 રનની ઝડપી ભાગીદારી થઇ હતી.
સ્મૃતિ 44 દડામાં 9 ચોગ્ગા-2 છગ્ગાથી આક્રમક 68 રને આઉટ થઇ હતી. એ પછી તુરત હરમનપ્રિત 36 રનની ઉપયોગી ઈનિંગ રમી પાછી
ફરી હતી. ભારતી ફૂલમાલી (1) પણ જલ્દીથી
આઉટ થઇ હતી. ઉપરાઉપરી 3 વિકેટ બાદ
ઋચા ઘોષ અને દીપ્તિ શર્મા વચ્ચે 21 દડામાં 4પ રનની ઝડપી ભાગીદારી થઇ હતી. ઋચાએ 19મી ઓવરમાં 23 રન ઝૂડયા હતા. તેણી 17 દડામાં પ ચોગ્ગા-1 છગ્ગાથી 34 રનની કેમિયો ઈનિંગ રમી આઉટ
થઇ હતી. દીપ્તિ 12 રને નોટઆઉટ
રહી હતી. આથી ભારતીય મહિલા ટીમના 20 ઓવરમાં 170 રન થયા હતા.
પાક. તરફથી સાદિયા ઇકબાલ અને ફાતિમા સનાએ 2-2 વિકેટ લીધી હતી.