• સોમવાર, 15 જૂન, 2026

તીરંદાજી વર્લ્ડ કપ : ધીરજ બોમ્મદેવરાએ ઇતિહાસ રચ્યો

નવી દિલ્હી, તા. 14 : અંતાલ્યા તીરંદાજી વર્લ્ડકપમાં ભારતના ધીરજ બોમ્મદેવરાએ શાનદાર પ્રદર્શન કરી એક જ દિવસે બે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો હતો. ધીરજે પુરુષોની વ્યક્તિગત રિકર્વ ફાઇનલમાં દક્ષિણ કોરિયાના લી વૂ સિઓકને 7-3થી હરાવીને પોતાનો પહેલો વ્યક્તિગત વર્લ્ડ કપ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે કુમકુમ મોહોડ સાથે મિશ્ર ટીમ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિશ્વમાં 18મા ક્રમે રહેલા ભારતીય સેનાના તીરંદાજ ધીરજે ફાઇનલમાં દક્ષિણ કોરિયાના સ્ટાર તીરંદાજ અને પેરિસ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા લી વૂ સીઓકને 7-3થી હરાવીને પોતાના કારકિર્દીનો પ્રથમ વ્યક્તિગત તીરંદાજી વર્લ્ડ કપ ગોલ્ડ મેડલ જીત્યો હતો.  તેણે મેચની શરૂઆત શાનદાર રીતે કરી અને પહેલા બે સેટ 30-29 અને 29-28થી જીતીને 5-1ની લીડ મેળવી હતી. ત્રીજો સેટ 27-27ના સ્કોર પર ડ્રોમાં સમાપ્ત થયો હતો. ચોથા સેટમાં લી વૂ સિઓકે વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને 29-27થી જીતીને સ્કોર 5-3 કર્યો. જો કે, દબાણમાં પણ ધીરજે પોતાનો સંયમ ગુમાવ્યો નહીં. નિર્ણાયક સેટમાં તેણે `એક્સ' સહિત સતત ત્રણ પરફેક્ટ 10 ફટકાર્યા અને મેચ 7-3થી જીતી લીધી હતી.  ફાઇનલમાં પહોંચતાં પહેલા ધીરજે સેમિફાઇનલમાં જર્મનીના મોરિટ્ઝ વેઇસરને 6-4થી હરાવ્યો હતો અને તેના પ્રથમ વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ધીરજ બોમ્મદેવરાનો દિવસ તેની કારકિર્દીનો સૌથી યાદગાર સાબિત થયો હતો. વ્યક્તિગત અને મિશ્ર ટીમ બંને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને તેમણે વૈશ્વિક મંચ પર ભારતીય તીરંદાજીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ જીતવાની આ સિદ્ધિ ભારતીય તીરંદાજી માટે અત્યંત ખાસ માનવામાં આવે છે. 

Panchang

dd