• સોમવાર, 15 જૂન, 2026

ટ્રેનમાં આગની અફવાથી કૂદેલા છ યાત્રીને સામેથી આવતી ટ્રેને કચડયા

નવી દિલ્હી, તા. 14 : મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાના હેતમપુર અને ઘેર રેલવે સ્ટેશન વચ્ચે રવિવારે સાંજે એક દર્દનાક બનાવ બન્યો હતો, જેમાં ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગની અફવા ફેલાયા બાદ ડરેલા યાત્રીઓએ ચેન પુલિંગ કરીને ટ્રેન રોકી દીધી હતી. ત્યારબાદ અમુક યાત્રી ટ્રેનમાંથી ઉતરીને ટ્રેક ઉપર આવી ગયા હતા અને બીજી લાઇનથી ધસમસતી આવી રહેલી પાતાલકોટ એક્સપ્રેસની ચપેટમાં આવી ગયા હતા. આ ભયાનક દુર્ઘટનામાં ત્રણ મહિલા અને એક બાળક સહિત છ લોકોનાં મૃત્યુની સૂચના મળી હતી અને અમુકને ઈજા પહોંચી હતી. મળતી વિગત પ્રમાણે ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ ગ્લાલિયરથી મુરૈના જઈ રહી હતી. આ દરમિયાન કોઈ યાત્રીએ કોચમાં આગની વાત કરી હતી, જેનાથી બોગીમાં અફરાતફરી મચી હતી. ગભરાયેલા યાત્રીઓએ ઇમર્જન્સી ચેન ખેંચીને ટ્રેન રોકી દીધી હતી અને અમુક યાત્રી નીચે ઉતરી ગયા હતા. આ દરમિયાન બાજુની લાઇન ઉપર ધૌલપુર તરફથી આવી રહેલી પાતાલકોટ એક્સપ્રેસ પહોંચી હતી અને અમુક યાત્રી ટ્રેનની ચપેટમાં આવી ગયા હતા. આ બનાવથી સ્થળ ઉપર રોકકળ મચી હતી. સૂચના મળતા જ જીઆરપી, આરપીએફ અને મુરૈના પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાનાં કારણે દિલ્હી-મુંબઈ મુખ્ય રેલ માર્ગ થોડો સમય માટે પ્રભાવિત રહ્યો હતો. ઘણી ટ્રેનને રસ્તામાં રોકી દેવામાં આવી હતી જ્યારે પ્રભાવિત યાત્રીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. બાદમાં ટ્રેકને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.  આ મામલે રેલ પ્રશાસન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં આગ લાગવાની કોઈ પુષ્ટિ થઈ નહોતી. અધિકારીઓનું માનવું છે કે અફવાનાં કારણે દુર્ઘટના બની છે.  

Panchang

dd