ભુજ, તા. 14 : કચ્છમાં અનેક કુદરતના ખોળામાં
આવેલા ધાર્મિક સ્થાનો પૈકી માંડવી તા.ના નાના આસંબિયા ગામના મુખ્ય માર્ગથી દોઢેક કિ.મી.ના
અંતરે પશ્ચિમ દિશામાં આવેલા ગંગાજી સ્થાનકના વિકાસમાં ખૂટતી કડીમાં પાકા અને પહોળા
માર્ગની ભાવિકો માંગ કરી રહ્યા છે. કચ્છમાં ડુંગરોની કોતરોમાંથી કુરદતી જળ નીકળતાં
સ્થળમાં આસંબિયાના આ સ્થળે ગંગેશ્વર મહાદેવ શિવાલય પરિસરમાં સ્નાન માટે અલગ ગૌમુખ ધરાવતા
બે કૂંડ, મોરની મોટી વસ્તી અને અન્ય પક્ષીઓ ચણ ચણવા માટે
પક્ષીઘર-ઓટલાનું નિર્માણ થઇ ગયું છે. પવિત્ર અધિક માસમાં મોટી સંખ્યામાં લોકો વાહનોમાં
મુસાફરી કરીને દૂર-દૂરથી ગંગાનાં નિર્મળ-શુદ્ધ જળમાં ડૂબકી લગાવવા આવી રહ્યા છે ત્યારે
રસ્તામાં આવતા આરોગ્ય કેન્દ્ર સુધી સિંગલ પાક્કી સડક છે પણ આગલ કાચા અને સાંકડા તથા
ઊગેલી ગાંડા બાવળની ઝાડીવાળા રસ્તાના કારણે ભાવિકો-વાહનચાલકોને હેરાન થવું પડે છે.
બીજું, મોટી સંખ્યામાં આવતા વાહનોના કારણે વાહન પાર્ક કરવામાં
અગવડતા પડે છે. ચારેબાજુ ડુંગરો-નદી સહિતના અદ્ભુત કુદરતી સૌંદર્યથી શોભતા આ સ્થાનકની
વિકાસની યાત્રામાં સરકારી તંત્ર રસ લેવાનું શરૂ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. હરિદ્વાર,
ઋષિકેશ કે ગંગાસાગર ન પહોંચી શકતા આસ્થાળુઓ આવાં ગંગા સ્થાનકે ડૂબકી
મારીને પુણ્યનું ભાથું બાંધી શકે છે. દાતાઓનાં કારણે સ્થળનો વિકાસ થયો છે. માંડવીના
ધારાસભ્ય અનિરુદ્ધ દવે વિકાસમાં આગળ આવે તો સ્થળનો મહિમા ખૂબ જ ઝડપથી આગળ વધી શકે તેમ
છે.