ભુજ, તા. 14 : શહેરમાં ગટર સમસ્યાએ લાંબા
સમયથી અજગર ભરડો લીધો હોય તેમ મોટાભાગના વિસ્તારો ગટરલાઇનનાં કામ માટે ખોદાયા વિના
નહીં રહ્યા હોય. તાજેતરમાં અવરજવરથી સતત ધમધમતા વોકળા ફળિયાંથી ભીડ તરફ જતા માર્ગે
છેલ્લા આઠ-દસ દિવસથી ગટર સમસ્યાને હલ કરવા આખો માર્ગ ખોદી નખાયો છે, જેને કારણે રાહદારી પણ અહીંથી પસાર નથી થઇ શકતા.
લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખોદાણને કારણે પીવાનાં પાણીની લાઇનમાં
પણ ગટરમિશ્રિત પાણી આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ખરેખર તો જાહેર માર્ગો પર
થતાં આવાં કામો યુદ્ધનાં ધોરણે પૂર્ણ કરવા જોઇએ, તેના બદલે સુધરાઇને
તો ફોલ્ટ શોધવામાં જ અનેક દિવસો નીકળી જતા હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. હાલમાં
વરસાદી વાતાવરણ સર્જાયું છે અને ચોમાસું દસ્તક દઇ રહ્યું છે, ત્યારે વરસાદ પહેલાં આ કામગીરી પૂર્ણ કરાય નહીં તો લોકો માટે જોખમ સર્જાશે
તેવું નાગરિકોએ જણાવી સુધરાઇ સત્વરે કામગીરી પૂર્ણ કરે અને માર્ગ વ્યવસ્થિત કરે તેવી
માંગ ઊઠી છે.