નવી દિલ્હી, તા. 14 : પીએમ મોદી
જી-7 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સ પહોંચી ચૂક્યા
છે. છ દિવસના વિદેશ પ્રવાસે ગયેલા પીએમ મોદી રવિવારે નીસ પહોંચ્યા હતા. જ્યાં ભારત
ઈનોવેટ્સ 2026નું ઉદ્ઘાટન કર્યું હતું અને
અલગ- અલગ સંમેલનમાં ભાગ લીધો હતો. ફ્રાન્સમાં ભારતીય સમુદાયે મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહીને મોદીનું સ્વાગત કર્યું હતું. ઈનોવેશન કાર્યક્રમમાં પીએમ મોદીએ રોકાણકારોને ભારત
આવવા નિમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોંની ઉપસ્થિતિમાં
`ભારત ઈનોવેટ્સ 2026'નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે
કહ્યું કે, હું દરેક રોકાણકારને અને
ઉદ્યોગ સાહસિકને નિમંત્રણ આપું છું કે, તમે ભારત આવો અને અમારી
સાથે મળીને કામ કરો. મોદીએ મેક્રોં સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી, જેમાં સંરક્ષણ, ટેકનોલોજી, એઆઈ,
સેમિકંડક્ટર સહિતનાં ક્ષેત્રોમાં સહયોગને મજબૂત કરવા ચર્ચા થઈ હતી. આ
ઉપરાંત પીએમ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે નીસ નજીક વિલા કેરિલોસની મુલાકાતે ગયા હતા.
તે ફ્રાન્સના પ્રસિદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળ પૈકીનું એક છે. આ અગાઉ,
મોદીએ ફ્રાન્સ પહોંચતાં સોશિયલ
મીડિયા પ્લેટફોર્મ ઉપર લખ્યું હતું કે, તેઓ નીસ પહોંચી ચૂક્યા
છે. નીસ ઉપરાંત ફ્રાન્સની યાત્રામાં એવિનય અને પેરિસમાં થનારા કાર્યક્રમમાં ભાગ લેશે.
આ યાત્રા દ્વિપક્ષીય અને મહત્ત્વની બેઠકોનું માધ્યમ બનશે. પીએમ મોદી દ્વારા ઈનોવેટ્સ કાર્યક્રમ પહેલાં ફ્રાન્સના
રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોં સાથે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત ફ્રાન્સના એવિયન
શહેરમાં આયોજિત થનારી જી-7 બેઠકમાં પીએમ
મોદી ભાગ લેશે. આ બેઠકમાં ભારત સાથે બ્રાઝિલ, ઈજિપ્ત, કેન્યા અને દક્ષિણ આફ્રિકા પણ ભાગ લઈ રહ્યા છે.
બેઠકમાં જી-7 દેશો સાથે
પીએમ મોદી ચર્ચા કરશે. આ પ્રવાસ દરમિયાન સૌથી
મહત્ત્વની વાત મોદી અને ટ્રમ્પ વચ્ચેની દ્વિપક્ષીય બેઠક છે. 16 મહિના બાદ બન્ને નેતા વચ્ચે
મુલાકાત થવા જઈ રહી છે. અમેરિકી અધિકારીઓ તરફથી આ મામલે જાણકારી આપવામાં આવી હતી. 18 જૂને પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ
મેક્રોં સાથે વીવા ટેકમાં હિસ્સો લેશે. યુરોપનો સૌથી મોટો ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ
કાર્યક્રમ છે.