નવી દિલ્હી, તા. 14 : શાંતિ કરારને
લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા તણાવનો અંત આવી રહ્યો હોય તેવું લાગે
છે. બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત શાંતિ કરારનો ડ્રાફ્ટ સામે આવ્યો છે, જેમાં પરમાણુ કાર્યક્રમથી લઈને તેલ વેપાર,
હોર્મુઝ માર્ગ અને અમેરિકા દ્વારા સ્થગિત અબજો ડોલર જેવા અનેક મુખ્ય
મુદ્દાઓ પર સહમતીનો દાવો કરવામાં આવ્યો છે. એક એજન્સીના અહેવાલ મુજબ, વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત
કરાર હેઠળ ઈરાને પરમાણુ શત્રો ન વિકસાવવા અથવા અન્ય કોઈ પણ માધ્યમથી તેમને મેળવવાનો
પ્રયાસ ન કરવાનું વચન આપ્યું છે, જે અમેરિકાની સૌથી મોટી માગણીઓમાંની
એક રહી છે. મુસદ્દા મુજબ ઈરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના સંવર્ધન સ્તરમાં પણ ઘટાડો કરવામાં આવશે. જો કે, આ પ્રક્રિયા
કઇ રીતે કરાશે તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. બંને પક્ષો આગામી 60 દિવસમાં તેનાં ટેકનિકલ માળખાંને
અંતિમ સ્વરૂપ આપશે. આ કરારની સૌથી મોટી ખાસિયત
ઈરાનના સ્થગિત ભંડોળની છે. ઈરાની અધિકારીઓનો દાવો છે કે, અમેરિકા આશરે 25 અબજ ડોલરનાં સ્થગિત ભંડોળને
મુક્ત કરવા સંમત થયું છે. આમાં સીધા રોકડ ટ્રાન્સફર,
પ્રાદેશિક દેશો સાથે સહયોગ અને નાણાકીય ક્રેડિટ લાઇન જેવી વ્યવસ્થાઓનો
સમાવેશ થઈ શકે છે. વધુમાં, અમેરિકા ઈરાન પર લાદવામાં આવેલા તેલ
પ્રતિબંધોને અસ્થાયી રૂપે હળવા કરશે. આનાથી ઈરાન આંતરરાષ્ટ્રીય બજારમાં તેનું તેલ ફરીથી
વેચી શકશે અને તેમાંથી મળેલી રકમ જાળવી શકશે. નિષ્ણાતો માને છે કે, આ પગલાંથી ઈરાનનાં અર્થતંત્રને નોંધપાત્ર રાહત મળી શકે છે, જે વર્ષોથી પશ્ચિમી પ્રતિબંધોથી પીડાઈ રહ્યું છે. આ કરારમાં હોર્મુઝ માર્ગ
પણ સમાવેશ થાય છે, જે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર
માર્ગોમાંનો એક છે, જેના દ્વારા વૈશ્વિક તેલ પુરવઠાનો મોટો હિસ્સો
પસાર થાય છે. પ્રસ્તાવિત કરાર હેઠળ, ઈરાન તાત્કાલિક હોર્મુઝને
તમામ વ્યાપારી જહાજો માટે ખોલશે. બદલામાં, યુએસ ઈરાની જહાજો અને
બંદરો પર લાદવામાં આવેલી નૌકાદળ નાકાબંધી હટાવશે. જો આ કરાર લાગુ કરવામાં આવે,
તો વૈશ્વિક ઊર્જા બજારને પણ રાહત મળી શકે છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવને
કારણે છેલ્લા ઘણા મહિનાઓથી તેલના ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ રહી છે. રોકાણકારો અને ઊર્જા
કંપનીઓ આ કરાર પર નજીકથી નજર રાખી રહ્યા છે. આ કરાર અંગે હજુ સુધી કોઈ સંપૂર્ણ સ્પષ્ટતા
નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, રવિવારે કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. દરમિયાન, પાકિસ્તાનના
વડા પ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું છે કે, ઇલેક્ટ્રોનિક માધ્યમથી
હસ્તાક્ષર માટે તૈયારીઓ ચાલી રહી છે અને તે પછી ટેકનિકલ વાતચીત શરૂ થશે. - અમેરિકાનો
આ વખતે હુમલો નહીં પણ ઓમાન પાસે 14 ભારતીયને બચાવ્યા : નવી દિલ્હી, તા. 14 : ઓમાનના દરિયાકાંઠે
14 ભારતીય નાગરિકોને લઈ જતી એક
પરંપરાગત હોડી અચાનક ડૂબવા લાગી હતી. ઘટનાની જાણ થતાં જ યુએસ નેવી, ભારતીય નેવી અને પસાર થતા એક વેપારી જહાજે સંયુક્ત
રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી અને તમામ 14 ભારતીયને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કર્યા હતા. એક મીડિયા હેવાલ
મુજબ, અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના ઓમાનના રાસ અલ હદ્દથી આશરે 80 નોટિકલ માઇલ પૂર્વમાં બની હતી. દરિયામાં વધતા તણાવ અને સુરક્ષા
પડકારો વચ્ચે આ સફળ બચાવ કામગીરી કરાઈ હતી. રવિવારે સવારે યુએસ નેવીને માહિતી મળી હતી
કે, ભારતીય નાગરિકોને લઈ જતી એક બોટ મુશ્કેલીમાં
છે અને ડૂબી રહી છે, ત્યારે યુએસ નેવીએ દરિયાકાંઠાના અધિકારીઓ
અને ભારતીય નૌકાદળને જાણ કરી હતી. યુએસ નેવીનું એક પી-8 મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ તાત્કાલિક
ઘટનાસ્થળે પહોંચ્યું હતું. એક લાઇફ રાફ્ટને દરિયામાં ફેંકી તમામ 14 લોકોને સુરક્ષિત તેમાં પહોંચાડવામાં
આવ્યા હતા. સાથે જ, ભારતીય નૌકાદળના
જહાજોને પણ જરૂર પડ્યે વધારાની સહાય પૂરી પાડવા માટે સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. બચાવ કામગીરીમાં એમવી જબલ અલી-9 નામના વેપારી જહાજે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા
ભજવી હતી. સોહરથી મુંબઈ જઈ રહેલા જહાજને ઘટના સ્થળની નજીક રાખવામાં આવ્યું હતું. એક
યુએસ પી-8 વિમાને જહાજને મુશ્કેલીમાં મુકાયેલી બોટ
તરફ આગળ વધવા અને સહાય પૂરી પાડવા વિનંતી કરતાં જહાજ તરત જ રસ્તો બદલીને બચાવ કામગીરીમાં
જોડાયું હતું. નોંધનીય છે કે, આ ઘટના
એવા સમયે બની છે, જ્યારે ઓમાન અને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસનો
દરિયાઈ વિસ્તાર સુરક્ષા અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ જ સંવેદનશીલ છે. ભારતીય અને
આંતરરાષ્ટ્રીય એજન્સીઓ હાલમાં સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.