પ્રાગપર (તા. મુંદરા), તા. 14 : છેલ્લા લગભગ
36 વર્ષથી પશુ-પક્ષી, જીવદયા, જળ, પર્યાવરણ ક્ષેત્રે સેવારત અહીંના ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા
આહિંસાધામ ખાતે સારવાર માટે આવેલા એક પશુની ઘટના પરથી લોકો દ્વારા પશુ પ્રત્યે કેવી
નિર્દયતા અને બેદરકારી થતી રહેતી હોય છે. તેનો વધુ એક કિસ્સો બહાર આવ્યો હતો. જેમ માનવને
હોસ્પિટલમાં આઇસીયુ જેવી અદ્યતન સારવાર મળે એવી જ બીમાર, અપંગ
પશુઓ સારવારની વ્યવસ્થા ધરાવતી પ્રાગપર પશુ હોસ્પિટલમાં એક એવો નંદી સારવાર લેવા આવ્યો
હતો કે, જેમનાં મોઢાંમાં વિસ્ફોટક પદાર્થ ફાટયો હતો અને જીવ જોખમમાં
મુકાયો હતો. આહિંસાધામના મેનેજર રાહુલ સાવલાએ આપેલી વિગત મુજબ, લાકડિયા પાંજરાપોળ દ્વારા સારવાર માટે આ નંદી મોકલાયો છે. ચિત્રોડ પાસેનાં
વિસ્તારમાં ખેતરમાં જંગલી જનાવર નુકસાન ન પહોંચાડે એ માટે વિસ્ફોટક પદાર્થો ગોઠવાયા
હતા, જેમાં આ પદાર્થ ગૌવંશનાં મોઢાંમાં જ ફાટયો હતો અને જડબું
તૂટી ગયું હતું. સુરક્ષા માટે આવા જોખમી પદાર્થો ખેડૂતો ગોઠવે છે, પણ તેનો ઘણીવાર ગૌમાતા ભોગ બને છે. વાડીમાં પશુ ઘૂસી ન આવે એ માટે ડર ફેલાવવા
ઘણીવાર એસિડ પણ ફેંકાતું હોય છે. આવી એસિડ
સાથેની ઘાયલ ગાયો પણ અહીં આવતી હોવાનું તેમણે ઉમેરતાં કહ્યું કે, અત્યારે આ નંદી બોટલથી જીવે છે અને ખોરાક માટે કૃત્રિમ માર્ગ માટે તબીબો ઓપરેશન
કરશે. આ ઘટના અંગે મેનાજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઇ, પ્રમુખ
હરેશભાઈ વોરા, સીઇઓ ડો. ગિરીશ નાગડાએ ચિંતા વ્યકત કરતાં કહ્યું
કે, માત્ર કચ્છ નહીં, ગુજરાતભરમાંથી પશુ-પક્ષીઓની
અહીં આવે છે. રાત-દિવસ 24 કલાક ઇમર્જન્સી
સારવાર ઉપલબ્ધ છે. લોકો પશુઓ પ્રત્યે માનવતા દાખવે. આ સમગ્ર સારવાર ડો. હર્ષલ સોલંકી
અને ટીમ દ્વારા થઈ રહી છે.